રામ મંદિરના ભૂમિ પૂજન બાદ અયોધ્યામાં જમીનના ભાવ થયા બમણા

કોરોનાના આ યુગમાં જ્યાં દરેક ક્ષેત્ર આર્થિક સંકટ સાથે સંઘર્ષ કરી રહ્યું છે. તે જ સમયે અયોધ્યામાં રીઅલ એસ્ટેટ માર્કેટમાં તેજી જોવા મળી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ જન્મભૂમિ મંદિર માટે ભૂમિપૂજન કર્યું ત્યારથી જ અયોધ્યામાં જમીનના ભાવમાં ધરખમ વધારો થયો છે. છેલ્લા એક મહિનામાં અહીં જમીનની કિંમતમાં બમણો વધારો થયો છે.
અયોધ્યાના વિસ્તારોમાં જમીનની કિંમત પ્રતિ ચોરસ ફૂટ રૂ. 1000 થી વધીને 1500 થઈ ગઈ છે, જ્યારે શહેરની મધ્યમાં હાલનો ભાવ પ્રતિ ચોરસ ફૂટ રૂ. 2000-3000 છે. સ્થાવર મિલકત ઉદ્યોગપતિઓના જણાવ્યા મુજબ, જમીનના ભાવમાં ભારે વધારો થવા પાછળનું કારણ એ છે કે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અયોધ્યા અને ઘણા માળખાગત પ્રોજેક્ટ્સના વિકાસની જાહેરાત છે.
મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે પણ અયોધ્યાને વિશ્વસ્તરીય શહેર બનાવવાની ઘોષણા પણ જમીનના ભાવ વધવાનું કારણ બની છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મોટાભાગના લોકો ધર્મશાળા, હોટલ અને કોમ્યુનિટી કિચન માટે જમીન ખરીદી રહ્યા છે.
અયોધ્યાના મેયર હર્ષિકેશ ઉપાધ્યાયનું માનવું છે કે રામ મંદિરના નિર્માણની સાથે જ અયોધ્યામાં રોજગારીની તકો વધી છે. દેશ અને દુનિયાના લોકો અયોધ્યા આવશે અને ફક્ત ધંધાના હેતુથી જ નહીં, પરંતુ ધાર્મિક હેતુ માટે પણ લોકો અયોધ્યામાં સમાજસેવા કરવા જઇ રહ્યા છે અયોધ્યા ધર્મશાળા, રેનબસેરા, કથા મંડપ જેવા નિર્માણ થશે તેવામાં અયોધ્યામાં જમીનના ભાવમાં વધારો કરવો પડે તે સ્વાભાવિક છે.