ખંભાળિયાની અપરિણીત યુવતીએ ટ્રેન હેઠળ ઝંપલાવીને જિંદગી ટૂંકાવી

ખંભાળિયામાં રહેતી એક અપરિણીત યુવતીએ ગત મોડી સાંજે ટ્રેન હેઠળ આપઘાત કરી લીધાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.
આ અંગેની જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયાના વંડીફળી વિસ્તારમાં રહેતા રામઈબેન ખેતસીભાઈ કારીયા નામની 20 વર્ષની અપરિણીત ગઢવી યુવતીએ ગત સાંજે પોણા સાતેક વાગ્યે ખંભાળિયાના રેલ્વે સ્ટેશનમાંથી પસાર થતી એક માલગાડી હેઠળ સ્ટેશનના એન્ટ્રી ગેઈટ પાસેથી દોટ મુકી, ઝંપલાવી દેતા આ માલગાડી હેઠળ કપાઈ જવાના કારણે તેણીનું ઘટના સ્થળેજ કરૂણ મૃત્યુ નિપજયુ હતું.
આ યુવતીએ ટ્રેન આવતા જ ટ્રેન તળે પડતુ મુક્યું હતું અને ડ્રાઇવર કશું સમજે અને બ્રેક મારે તે પહેલાં જ તેણી ટ્રેન હેઠળ આવી ગયાનું જાણવા મળેલ છે. આ બનાવ અંગે ખંભાળિયા રેલવે પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની જરૂરી કાર્યવાહી કરી હતી. યુવતીએ કોઈ અગમ્ય કારણસર આપધાત કાર્યનું તેણીના પરિવારજનોએ પોલીસને જણાવ્યુ હતું. આગળની તપાસ રેલવેના હેડ કોસ્ટેબલ ભીમશીભાઈ નંદાણીયા ચલાવી રહ્યા છે.