લદ્દાખ બોર્ડર પર ભારતનો દબદબો: દક્ષિણ પેગોન્ગના વિવાદિત વિસ્તારમાં આર્મીનો કબ્જો, ચીને ત્યાંથી કેમેરા હટાવ્યા

- ભારતની આર્મીના જણાવ્યા પ્રમાણે ભારતે સ્પાંગુર ગૈપ, સ્પાંગુર સરોવર અને તેના કિનારાના ચાઇનીઝ રોડ પર કબ્જો કરી લીધો છે
- ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું-અમારી આર્મીએ ક્યારેય બોર્ડર પાર કરી નથી, કોઇ કમ્યુનિકેશનની સમસ્યા લાગે છે
ચીનની આર્મીની ઘુસણખોરીના બે દિવસ બાદ ભારતે લદ્દાખ બોર્ડર અંગે મોટો ખુલાસો કર્યો છે. આર્મીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે દક્ષિણ પેગોન્ગના વિવાદિત વિસ્તારમાં સંપૂર્ણ રીતે ભારતનો કબ્જો છે. અહીં ઘણા શિખરો પર આર્મી ઉપસ્થિત છે. આર્મી તરફથી કહેવામા આવ્યું છે કે ટોચ પર આપણા જવાનો એટલા માટે છે કારણ કે લાઇન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ અંગે ભારતની સ્થિતિ એકદમ સ્પષ્ટ છે.
આર્મીના સૂત્રોએ જણાવ્યું કે અમે મુશ્કેલ જણાતા સ્પાંગુર ગેપ, સ્પાંગુર સરોવર અને તેના કિનારાના ચાઇનીઝ રોડ પર પણ કબ્જો કરી લીધો છે. ચીન લદ્દાખ બોર્ડર પર ઘણા શિખરો પર દાવો કરતું રહ્યું છે. તે પેગોન્ગ સરોવરના સંપૂર્ણ દક્ષિણ વિસ્તાર અને સ્પાંગુર ગેપ પર પણ કબ્જો કરવા માંગતું હતું પરંતુ આગળ ન વધી શક્યા.
આર્મીના જણાવ્યા પ્રમાણે ચીને પહાડો પર કેમેરા અને દેખરેખ માટે ઉપકરણો લગાવી રાખ્યા હતા જેથી આપણી ગતિવિધિની ખબર પડે. તેમ છતા જવાનોએ વિવાદિત વિસ્તારમાં કબ્જો કરી લીધો. આટલું જ નહીં, ભારતીય આર્મીના કબ્જા બાદ ચીને તેમના કેમેરા અને સર્વેલન્સના સાધનો પણ હટાવી લીધા હતા.
ભારતના મક્કમ દાવા પછી ચીનનુ વલણ નરમ થયું હતું. વિદેશ મંત્રી વાંગ યીએ કહ્યું- ભારત અને ચીન વચ્ચેનો વિવાદ બોર્ડર નિર્ધારિત ન કરી હોવાના લીધે છે. તેના લીધે હંમેશા સમસ્યા રહેશે. તેમ છતા અમે ભારત સાથે વાતચીત દ્વારા મામલો દૂર કરવા તૈયાર છીએ. લદ્દાખમાં ચીનની ઘુસણખોરી વધવાથી વધેલા તણાવની વચ્ચે નેશનલ સિક્યોરિટી એડવાઈઝર(NSA) અજીત ડોભાલે મંગળવારે સ્થિતિની સમીક્ષા કરી. રક્ષા મંત્રી રાજનાથ સિંહ આજે હાઈલેવલની બેઠક બોલાવે તેવી શકયતા છે.
લદ્દાખમાં સીમા પર તણાવની વચ્ચે ભારત-ચીનના આર્મી અધિકારી સતત બીજા દિવસે બેઠક કરી રહ્યાં છે. પેગોન્ગ ત્સો સરોવરના દક્ષિણ કિનારની એક પહાડી પર ચીનના કબ્જાની નિષ્ફળ કોશિશ પછી આ વાતચીત કરવામાં આવી રહી છે. ન્યુઝ એજન્સી ANIના જણાવ્યા મુજબ બંને દેશોના બ્રિગેડ કમાન્ડર લેવલના અધિકારી ચર્ચામાં સામેલ છે. આ મીટિંગ ચુશૂલ સેક્ટરમાં નિયંત્રણ રેખાથી 20 કિલોમીટર દૂર આવેલ મોલ્દોમાં થઈ રહી છે.
રક્ષા મંત્રાલયે સોમવારે એક નોટ ઈસ્યુ કરીને ચીનની છેતરપિંડી વિશે જણાવ્યું હતું. તે મુજબ 29-30 ઓગસ્ટની રાતે ચીનના લગભગ 500 સૌનિકોએ એક પહાડી પર કબ્જાની કોશિશ કરી હતી, જેને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવી છે. રક્ષા મંત્રાલયે કહ્યું કે અમારી સેના શાંતિ ઈચ્છે છે, જોકે પોતાની સીમાઓની સુરક્ષા કરવા પણ ઈચ્છે છે.
સેનાના અધિકારીઓએ જણાવ્યું કે ચીનનો ઈરાદો તેના વિસ્તારની બ્લેક ટોપ નામની પહાડીની સામે આવેલા ભારતીય શિખર પર કબ્જો કરવાનો હતો. તે પછી ચૂશલના મોટા વિસ્તારમાં ચીનની પકડ મજબૂત થઈ શકતી હતી. ચીનના સૈનિક તેના નીચેના વિસ્તારમાં દટાયા છે, જે 3 શિખરો પર બેઠેલા ભારતીય સૈનિકો પર વોચ રાખે છે.
ન્યુઝ એજન્સીના જણાવ્યા મુજબ ચીનની સેનાએ લદ્દાખની નજીક આવેલા એરબેઝ પર જે-20 ફાઈટર પ્લેન તહેનાત કરવામાં આવ્યા છે. કૈલાશ-માનસરોવરના કિનારે જમીન પરથી હવામાં હુમલો કરનાર મિસાઈલો પણ તહેનાત કરવામાં આવી છે.
આર્મી અને ડિપ્લોમેટિક લેવલની વાતચીત છતાં પણ ચીન પૂર્વી લદ્દાખના ફિંગર એરિયા, દેપ્સાંગ અને ગોગરા વિસ્તારોમાંથી પાછળ હટી રહ્યું નથી. ચીનના સૈનિક 3 મહીનાથી ફિંગર એરિયામાં છે. હવે તેમણે બંકર બનાવવા અને બીજા અસ્થાયી નિર્માણ કરવાની પણ શરૂઆત કરી દીધી છે.