
- લાંબા સમય બાદ આવકવેરા ખાતાએ આળસ ખંખેરતા કરચોરોમાં ફફડાટ વ્યાપી ગયો
- અમદાવાદના વિવાદાસ્પદ પોપ્યુલર બિલ્ડર્સની ઓફિસ તથા નિવાસ સહિત ૨૫ જેટલા સ્થળોએ વહેલી સવારથી સર્વે અને દરોડાની કામગીરી
- મોટાપાયે બેનામી વ્યવહારો બહાર આવવાની શકયતા
- મોટો દલ્લો પણ મળે તેવી વકી
લાંબાસમય બાદ આવકવેરા ખાતાએ આળસ ખંખેરી દરોડાની કાર્યવાહી શરૂ કરતા કરચોરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. આવકવેરા ખાતાના અમદાવાદ વિભાગ દ્વારા આજે વહેલી સવારથી શહેરના વિવાદાસ્પદ પોપ્યુલર બિલ્ડર્સને ત્યાં સર્વે અને દરોડાની કામગીરી શરૂ થઇ હોવાનું જાણવા મળે છે.
આજે આવકવેરા ખાતાએ પોપ્યુલર બિલ્ડર્સના રમણ પટેલના નિવાસ અને ઓફિસ સહિત કુલ ૨૫ જેટલા સ્થળોએ ઓપરેશન હાથ ધર્યું હોવાનું જાણવા મળે છે. સર્વે ૮ વાગ્યાથી અમદાવાદ આવકવેરા વિભાગ ઉપરાંત રાજકોટ અને સુરતની ટીમો દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જે મોડે સુધી ચાલે તેવી શકયતા છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે અમદાવાદમાં જાણીતા એવા આ પોપ્યુલર બિલ્ડર્સના સંચાલકો કે જે તાજેતરમાં અમુક પોલીસ કેસમાં ફસાયા હતા તેને ત્યાં દરોડા પડતા બિલ્ડરોમાં સોંપો પડી ગયો હતો. જાણવા મળતી વિગતો અનુસાર આ ગ્રુપ સાથે સંકળાયેલા દશરથ પટેલ અને વિરેન્દ્ર પટેલ સહિતના સંચાલકોને ત્યાં પણ આવકવેરા ખાતાએ કામગીરી શરૂ કરી છે.
આ દરોડા દરમિયાન આવકવેરા ખાતાને મોટા પાયે બેનામી વ્યવહારો અને મોટો દલ્લો મળે તેવી શકયતા છે. અત્રે એ નોંધનીય છે કે, પોપ્યુલર ગ્રુપ અમદાવાદનું બહુ જાણીતુ અને મોટા પાયે સંપત્તિ ધરાવતું ગ્રુપ છે. રિયલ એસ્ટેટના આ કિંગ ઉપરાંત તેમના પાર્ટનરો અને બ્રોકરોને પણ આવકવેરા ખાતાએ ઝપટે લીધા હોવાનું જાણવા મળે છે.