ગુજરાત

જિલ્લામાં મુખ્‍યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અને કિસાન પરિવહન યોજનાનો શુભારંભ

સાત પગલાં ખેડૂત કલ્‍યાણના અંતર્ગત જિલ્લામાં મુખ્‍યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અને કિસાન પરિવહન યોજનાનો શુભારંભ

શહેરા ખાતે સાંસદશ્રી રતનસિંહ રાઠોડની અધ્યક્ષતામાં અને કાલોલના મલાવ ખાતે ચેરમેનશ્રી સરદારસિંહ બારૈયાની અધ્યક્ષતામાં શુભારંભ કાર્યક્રમ યોજાયા

જિલ્લાના ખેડૂતોને હવે પાક સંગ્રહ સુવિધાના નિર્માણ તેમજ પરિવહન માટે વાહન ખરીદવા ધિરાણ સહાય યોજનાઓનો લાભ મળશે

ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શહેરા ખાતે ૯ અને કાલોલના મલાવ ખાતે ૧૨ લાભાર્થીઓને સહાયના મંજૂરીપત્રોનું વિતરણ કરાયું

રાજ્યના ખેડૂતોની આવક બમણી કરવા માટે રાજ્ય સરકાર સતત નવીન સહાય યોજનાઓ અમલમાં મૂકી રહી છે. આ શૃંખલામાં પંચમહાલ જિલ્લામાં પણ સાત પગલા ખેડૂત કલ્યાણના અંતર્ગત મુખ્‍યમંત્રી પાક સંગ્રહ યોજના અને કિસાન પરિવહન યોજનાના જિલ્લા કક્ષાના શુભારંભ કાર્યક્રમ યોજાયા હતાં. સવારે શહેરાના નગરપાલિકા હોલ ખાતે પંચમહાલ સાંસદશ્રી રતનસિંહ રાઠોડ અને કાલોલના મલાવ ખાતે સરદાર પટેલ સહભાગી જળસંચય યોજનાના ચેરમેનશ્રી સરદારસિંહબારૈયાના અધ્યક્ષસ્થાને લોકાર્પણ કાર્યક્રમ યોજાયા હતા. મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્ય કક્ષાએ આ યોજનાઓનું ઇ-લોકાર્પણ કરવા સાથે ગાંધીનગરથી વેબકાસ્ટિંગના માધ્યમથી ઉપસ્થિત ખેડૂતોને વિવિધ યોજનાકીય જાણકારી અને માર્ગદર્શન આપ્યું હતું.
શહેરા ખાતે સાંસદશ્રી રતનસિંહ રાઠોડે આ અવસરે જણાવ્યું હતું કે ગુજરાતની સંવેદનશીલ સરકારે જગતના તાત એવા ખેડૂતોના કલ્યાણ અર્થે તેમજ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ વ્યક્ત કરેલા ખેડૂતોની આવક બમણી કરવાના નિર્ધારને પૂર્ણ કરવા સાત પગલા ખેડૂત કલ્યાણના અંતર્ગત વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓ અમલમાં મૂકી છે. ખેડૂતોના પ્રશ્નો સમજતી સરકારે માત્ર ખેત ઉત્પાદન વધારવા જ નહીં પરંતુ ખેડૂતો આ ઉત્પાદનની લાંબા સમય સુધી સાચવણી કરી શકે અને યોગ્ય બજારોમાં વેચી શકે તે માટે પરિવહનની સુવિધાઓ વધારવા માટે આ બે યોજનાઓ અમલમાં લાવી છે.આ સાતેય યોજનાઓ ખેડૂતોને વાવણીથી વેચાણ સુધીના વિવિધ તબક્કે જરુરી મજબૂત ટેકો પૂરો પાડી આર્થિક સમૃધ્ધિ હાંસલ કરવામાં સફળ થશે. સાંસદશ્રીએ જણાવ્યું હતું કે રાજ્ય અને કેન્દ્રમાં હવે ખેડૂતલક્ષી સરકારો છે અને આ સરકારોનું ધ્યેય ખેડૂતોની નાની મોટી તમામ અસુવિધાઓ નિવારી ખેતીને વિકાસનું માધ્યમ બનાવવાનું છે. ખેતી અને ખેડૂતોનો સર્વોચ્ચ વિકાસ જ દેશની વિકાસ યાત્રાને સંપૂર્ણ બનાવશે તેમ જણાવતા સાંસદશ્રીએ કૃષિકારોને નવીન ટેકનોલોજી અને સંસાધનો તેમજ રાજ્ય સરકારની યોજનાઓનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો.
સરદાર પટેલ સહભાગી જળસંચય યોજનાના ચેરમેનશ્રી સરદારસિંહ બારૈયાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે દેશના વિકાસની પારાશીશી દેશના ખેડૂતો કેટલા સમૃદ્ધ છે તેના પર આધારિત છે. કૃષિ અને ઉદ્યોગોના સંતુલિત વિકાસનું મહત્વ સમજતી સરકારે કૃષિવિકાસને નવો વેગ અને દિશા આપવા સાત પગલા ખેડૂત કલ્યાણના રૂપે ક્રાંતિકારી કહી શકાય તેવી આ સાત યોજનાઓ અમલમાં મૂકી છે. મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વ હેઠળ સરકારે લીધેલ ખેડૂત હિતલક્ષી પગલાઓના પરિણામે રાજ્યમાં કૃષિક્ષેત્રે થયેલ વિકાસનો શ્રી બારૈયાએ ચિતાર આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું જે પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના હેઠળ સહાય મેળવી ખેડૂતો પોતાના ઉત્પાદનને વરસાદ, કરા સહિતના પ્રતિકૂળ પરિબળોથી બચાવી શકશે. પાક પરિવહન યોજના હેઠળ વાહન માટેની સહાય મેળવી કૃષિકરો પોતાના ઉત્પાદનના વધુ ભાવ મેળવવા સક્ષમ બનશે. આ સાતેય યોજના ખેતીના તમામ તબક્કામાં ખેડૂતને સહાયરૂપ થઈ ખેતીમાં આમૂલ પરિવર્તન લાવનારી યોજનાઓ બની રહેશે તેમ ચેરમેનશ્રીએ જણાવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી એ.જે. શાહે પોતાના સંબોધનમાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજના, પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના, કિસાન પરિવહન સહાય યોજના સહિતની ખેડૂતલક્ષી યોજનાઓ અને લાભ મેળવવા માટેની પાત્રતા સહિતની સૂક્ષ્મ વિગતો આપતા તેમની ઉપયોગીતા સરળ રીતે સમજાવી હતી.
કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રાજપાલ સિંહ જાદવ, કાલોલના ધારાસભ્ય સુશ્રી સુમનબેન ચૌહાણ, પૂર્વ સાંસદશ્રી પ્રભાતસિંહ ચૌહાણે પ્રાસંગિક પ્રવચન કર્યા હતાં. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શહેરા ખાતે ૦૯ અને કાલોલના મલાવ ખાતે ૧૨ લાભાર્થીઓને મંજૂરીપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી જે.ડી. ચારેલે કાર્યક્રમમાં શાબ્દિક સ્વાગત અને નાયબ ખેતી નિયામકશ્રી ડી. એચ. રબારીએ આભારવિધિ કરી હતી.

શહેરા ખાતેના કાર્યક્રમમાં શહેરા તાલુકા પંચાયત પ્રમુખશ્રી, શહેરા નગરપાલિકા પ્રમુખશ્રી, મોરવા હડફના પૂર્વ ધારાસભ્ય સુશ્રી નિમિષાબેન સુથાર સહિતના પદાધિકારીઓ, પ્રાંત અધિકારીશ્રી જય કુમાર બારોટ, મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી સહિતના અધિકારીઓ અને કાલોલના મલાવ ખાતેના કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી રાજપાલસિંહ જાદવ, કાલોલના ધારાસભ્ય સુશ્રી સુમનબેન ચૌહાણ, પૂર્વ સાંસદશ્રી પ્રભાતસિંહ ચૌહાણ સહિત તાલુકા પંચાયતના પદાધિકારીઓ તેમજ તાલુકા વિકાસ અધિકારીશ્રી સહિતના અધિકારીઓ અને ખેડૂત મિત્રો સોશિયલ ડિસ્ટનસિંગના પાલન સાથે ઉપસ્થિત રહ્યા હતા.

(બોક્સ)
રાજય સરકાર દ્વારા સાત પગલાં ખેડૂત કલ્યાણની સાત યોજના પૈકી આજે જાહેર થયેલ બે યોજનાથી ખેડૂતોને ગોડાઉન બનાવવા માટે રાજય સરકાર રૂા.૩૦ હજાર સુધીની સહાય આપશે. જેનાથી ખેડૂતો પાકનો સંગ્રહ ગોડાઉનમાં કરી શકશે. તેમજ પરિવહન યોજના હેઠળ રાજય સરકાર દ્વારા ખેડૂતોને નાનુ માલવાહક વાહન ખરીદવા માટે રૂા.૫૦ હજાર થી ૭૫ હજારની સહાય આપવામાં આવશે. જેથી ખેડૂતો પોતાના માલ ખેતરથી ઘરે કે માર્કેટ યાર્ડ સુધી લઇ જઇ શકશે.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

five + sixteen =

Back to top button
Close