
નવરાત્રિ આવી રહી છે એવામાં લોકો નવરાત્રિની ઉજવણી વિષે અલગ અલગ અટકળો બાંધી રહ્યા છે. કોઈને નવરાત્રિની ઉજવણી કરવી છે તો કોઈ ઉજવણી ન કરવી જોઈએ એવી વાત કરી રહ્યા છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોના વિસ્ફોટ થયો છે, ત્યારે આવા સમયમાં નવરાત્રિનું આયોજન કરવું કે ન કરવું એના માટે સરકાર વિચારણા કરી રહી છે.
રાજકોટના તબીબો પણ સરકારને નવરાત્રિની મંજૂરી ન આપવા અપીલ કરી રહ્યા છે. ત્યારે થોડા દિવસ પહેલાં જ રાજકોટ સાઉન્ડ એન્ડ લાઈટ સ્ટેજ ઓનર્સ એસોસિયેશને આ વર્ષે સરકાર નવરાત્રિની મંજૂરી નહીં આપે તો આગામી ચૂંટણીમાં કોઈપણ રાજકીય પક્ષને સાઉન્ડ ન આપવા ચીમકી ઉચ્ચારી હતી. અત્યારે રાજકોટમાં ખૂબ જ કેસ વધી રહ્યા છે. અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. અનેક તબીબો પણ સંક્રમિત થઈ ગયા છે. મેડિકલ-પેરા મેડિકલ સ્ટાફ પણ સંક્રમિત થઈ ગયા છે. હવે જો નવરાત્રિનું આયોજન થશે તો કોરોનાના કેસની સંખ્યા વધશે.

નવરાત્રિ માટે છૂટ આપવામાં આવશે તો રાજકોટ અને ગુજરાત માટે આવનારા દિવસો ખૂબ જ કપરા રહેશે, કારણ કે કોરોનાનું સંક્રમણ હવે ઘર ઘર સુધી પહોંચી ગયું છે. અત્યારે ડોક્ટરો પણ કોરોનાનો ભોગ બની રહ્યા છે.કોઈપણ રીતે નવરાત્રિનું આયોજન હિતાવહ નથી.

ડોક્ટર સત્યમ વિસપરાએ જણાવ્યું હતું કે ,જો કોઈ ખેલૈયા કોરોના સંક્રમિત થશે અને ટ્રીટમેન્ટ માટે આવશે તો હું તેમની ટ્રીટમેન્ટ નહીં કરૂ, કારણ કે જાણીજોઈને તમે કોરોનાની પરિસ્થિતિ ઊભી કરી છે, તો તેની સારવાર કરવી યોગ્ય નથી.