આંતરરાષ્ટ્રીયટ્રેડિંગરાષ્ટ્રીય

‘હું ઘરેણા વેંચીને વકિલોની ફી ભરૂં છું’ અનિલ અંબાણીનો યુકેની કોર્ટમાં ધડાકો

  • હાલત એટલી ખરાબ છે કે ૬ મહિનામાં ૯.૯ કરોડના ઘરેણા વેંચવા પડયા
  • સામાન્ય જિંદગી જીવું છું : માત્ર એક જ કાર વાપરૂ છું
  • મારો જરૂરી ખર્ચ પત્ની – પરિવાર ઉઠાવે છે : પુત્ર પાસેથી લોન પણ લેવી પડી છે

કયારેક દેશનાં ટોચના ઉદ્યોગપતિ રહી ચૂકેલા અનિલ અંબાણીની આર્થિક પરિસ્થિતિ એટલી હદે ખરાબ થઇ ગઇ છે કે તેમને વકિલોની ફી ભરવા માટે ઘરેણા વેંચવા પડી રહ્યા છે. દેવામાં ડૂબેલા ઉદ્યોગપતિ અનિલ અંબાણીએ ખુદ યુકેની એક અદાલતને આ વાત જણાવી હતી. તેમણે કોર્ટને કહ્યું હતું કે, હું સાવ સામાન્ય જિંદગી જીવું છું અને માત્ર એક જ કારનો ઉપયોગ કરૃં છું. મારો ખર્ચો પત્ની અને પરિવાર ઉઠાવે છે. એટલું જ નહિ મારે પુત્ર પાસેથી પણ લોન લેવી પડી છે.

દેવાદાર ઉદ્યોગપતિ અનિલ અંબાણીએ શુક્રવારે યુકેની એક અદાલતને જણાવ્યું હતું કે તે સાદગીભર્યું જીવન જીવે છે, માત્ર એક કાર ચલાવે છે અને કોર્ટ કેસ લડવાની ફી ચૂકવવા માટે તેના ઘરેણાં વેચી દીધા છે. તેમણે કહ્યું કે જાન્યુઆરીથી જૂન ૨૦૨૦ની વચ્ચે તેણે તેમના તમામ ઘરેણા માટે ૯.૯ કરોડ રૂપિયા મેળવ્યા છે અને હવે તેની પાસે કંઈપણ નથી. જયારે તેમને લકઝરી ગાડીઓનો કાફલા અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, ‘આ ફકત મીડિયામાં ઉપજાવી કાઢેલી વાતો છે. મારી પાસે કયારેય રોલ્સ રોયસ નહોતી. હાલમાં, હું એક કારનો ઉપયોગ કરૃં છું.’

૨૨ મે, ૨૦૨૦ના રોજ યુકેની હાઇકોર્ટે અંબાણીને ૧૨ જૂન, ૨૦૨૦ સુધીમાં ત્રણ ચીની બેંકોને કાયદાકીય ખર્ચ પેટે રૂ. ૫,૨૮૧ કરોડ અને બાકી રહેતું ૭ કરોડનું દેવું ચૂકવવા આદેશ આપ્યો હતો. જોકે અનિલ અંબાણી દ્વારા આ રકમ ચૂકવવામાં આવી ન હતી. તે પછી ૧૫ જૂને ઇન્ડસ્ટ્રિયલ અને કોમર્શિયલ બેંક ઓફ ચાઇના લિ.ના નેતૃત્વ હેઠળની ચાઇનીઝ બેંકોએ તેમની સંપત્ત્િ। અંગેના જાહેરનામું માંગ્યું.

૨૯ જૂનના રોજ માસ્ટર ડેવિઝને અંબાણીને ૧૦૦,૦૦૦ ડોલરથી વધુની તેમની આખા વિશ્વમાં ગમે ત્યાં હોય તેવી તમામ સંપત્તિ અંગે સોગંદનામું આપવાનો આદેશ આપ્યો હતો. ભલે તે તેમના પોતાના નામે હોય, કે પછી એકલા અથવા સંયુકત માલિકીની હોય અને જો જેમાં તેઓ કાયદાકીય રીતે, લાભપ્રદ રીતે અથવા અન્ય કોઈપણ રીતે રસ ધરાવતા હોય.

અંબાણી શુક્રવારે વિડીયો-કોન્ફરન્સ દ્વારા ભારતમાંથી કોર્ટ સમક્ષ ક્રોસ-એકઝામિનેશન માટે હાજર થયા. કોર્ટેને જણાવ્યું હતું કે તેમના પર હજુ તેમની માતાની રૂપિયા ૫૦૦ કરોડ અને તેમના પુત્ર અનમોલની રૂપિયા ૩૧૦ કરોડની લોન બાકી છે.

અંબાણીએ કહ્યું કે તેમણે રિલાયન્સ ઇનોવેન્ચર્સને રૂ. ૫ કરોડની લોન આપી હતી અને બંને લોનની ટર્મ અને કંડશનને રીકોલ કરવામાં નથી આવી. તેમણે વધુમાં કહ્યું કે રિલાયન્સ ઇનોવેન્ચર્સમાં રહેલા તેમના ૧૨ મિલિયન ઇકિવટી શેર સંપૂર્ણપણે બેકાર છે તેની કોઈ કિંમત નથી. તેમજ તેમના પરિવાર સહિતના દુનિયાના કોઈ ટ્રસ્ટમાં તેમનું કોઈ આર્થિક હિત નથી.

યુકે હાઈકોર્ટમાં ચીની બેંકો તરફથી વકીલ બેન્કિમ થાંકી કયુસીએ કહ્યું, ‘તમે યોગ્ય પુરાવા નથી રાખી રહ્યા. શું તમારું નાણાકીય વ્યાજ ટ્રસ્ટ સાથે સંકળાયેલું છે?’ કોર્ટે ખબર પડી છે કે ૩૧ ડિસેમ્બર, ૨૦૧૯ના રોજ મુકેશ અંબાણીનું બેંક બેલેન્સ ૪૦.૨ લાખ રૂપિયા હતું, જે ૧ જાન્યુઆરી, ૨૦૨૦ના રોજ રાતોરાત ઘટીને ૨૦.૮ લાખ રૂપિયા થઈ ગયું હતું.

અંબાણીએ કોર્ટમાં કબૂલ્યું કે હાલ સુધી તેઓ ભારતના સૌથી ધનિક લોકોમાં સામેલ થતા હતા, પરંતુ હવે તેમની પાસે ૧,૧૦,૦૦૦ ડોલરની કિંમતની ફકત એક જ કલાકૃતિ છે. જેના પર ચીની બેંકના વકીલે પૂછ્યું કે ‘ટિના અને અનિલ અંબાણી કલેકશનની માહિતી કેમ નથી આપતા?’ આ સવાલ પર અંબાણીએ કહ્યું કે આ મારી પત્નીનો સંગ્રહ છે. કેમકે હું તેમનો પતિ છું તેના માટે તેણે મારી પરવાનગી માગી હતી. તેમણે કહ્યું કે વર્ષ ૨૦૧૯-૨૦માં રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રકચર પાસેથી કોઈ જ પ્રોફેશનલ ફી નથી લીધી. જે પ્રકારની સ્થિતિ છે તેમને નથી લાગતું કે આ વર્ષે પણ તેમને કંઈ મળે.

અનિલ અંબાણીએ યુકેની કોર્ટમાં કહ્યું કે ‘મારો ખર્ચ ખૂબ જ ઓછો છે જે મારી પત્ની અને પરિવાર ઉપાડે છે. મારી કોઈ હાઈફાઈ લાઈફ સ્ટાઈલ નથી. ન કમાણીનો બીજો કોઈ રસ્તો છે. હું મારો કાયદાકીય ખર્ચ પણ ઘરેણા વેચીને કાઢી રહ્યો છું. મને બાકી ખર્ચ માટે બીજી સંપત્તિઓ વેચવા માટે કોર્ટ તરફથી મંજૂરી મળે તેવી આશા છે.’

જયારે તેમને પ્રાઈવેટ હેલિકોપ્ટર અંગે પૂછવામાં આવ્યું તો ત્યારે અંબાણીએ કહ્યું કે હું ફકત વ્યકિતગત ઉપયોગ પર જ તેનું પેમેન્ટ કરૃં છું. તેમણે કહ્યું કે લોકડાઉન દરમિયાન મે તેનો ઉપયોગ નથી કર્યો. થાંકીએ કહ્યું કે એવા પણ અહેવાલ આવ્યા છે કે તમે પત્ની ટીનાને લકઝરી મોટર યોટ ગિફટ કરી છે. જેના જવાબમાં તેમણે કહ્યું કે યોટ એક કંપનીના નામે છે. મને તો દરિયાથી ડર લાગે છે તેથી જયારે તે અમારી પાસે આવી ત્યારે એક જ વાર તેનો ઉપયોગ કર્યો છે.

કોર્ટમા તેમને લંડન, કેલિફોર્નિયા, બીજિંગ અને અન્ય જગ્યાઓ પર શોપિંગ કરવાના ખુલાસા કરતા ક્રેડિટ કાર્ડ બીલ અંગે પૂછવામાં આવતા અંબાણીએ જવાબ આપ્યો કે આ શોપિંગ મારી માતાએ કરી હતી. અંબાણીએ મુંબઈમાં પોતાના ઘર સીવિંડમાં ૮ મહિનાનું બિલ ૬૦.૬ લાખ રૂપિયા આવતા વીજળી કંપનીઓ પર તેનું ઠીકરૃં ફોડ્યું. કહ્યું કંપનીઓ ખૂબ વધારે કિંમતે વીજળી આપે છે.

કોર્ટમાં કરવામાં આવેલી આ સુનાવણી બાદ અનિલ અંબાણી તરફથી તેમના પ્રવકતાએ એક નિવેદનમાં કહ્યું કે, ‘તેઓ હંમેશાથી એક સામાન્ય જીવન જીવવામાં વિશ્વાસ રાખે છે. જયારે તેમના વિશે અનેક પ્રકારની અફવાઓ ઉડતી રહી છે.’ તો બીજી તરફ ઇન્ડસ્ટ્રિયલ એન્ડ કોમર્શિયલ બેંક ઓફ ચાઈના, એકસપોર્ટ એન્ડ ઇમ્પોર્ટ બેંક ઓફ ચાઈના અને ચાઈના ડેવલોપમેન્ટ બેંક પણ કહ્યું કે અંબાણી વિરૂદ્ઘ બાકી તમામ કાયદાકીય પગલાનો તેઓ ઉપયોગ કરશે.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close