
ગુજરાતમાં કોરોનાને લીધે 3500થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે અને દરરોજ 1 હજારથી વધુ પૉઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે, ત્યારે માસ્ક વિના ફરતા અને હજારોનાં ટોળાં સાથે રેલીઓ યોજતા નેતાઓ સામે ગુજરાત હાઇકોર્ટે લાલ આંખ કરી છે. હાઇકોર્ટે સુઓમોટો કરીને જાહેરહિતની અરજીના આધારે આવા બેજવાબદાર રાજકીય નેતાઓ સામે કડક કાર્યવાહી અને આકરો દંડ વસૂલવા માટે રાજ્ય સરકારને નિર્દેશ આપ્યો છે.
કોરોના મહામારી અંગે ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો જાહેરહિતની અરજીની સુનાવણી દરમિયાન માસ્ક વિના ફરતા લોકો વિશેના અખબારી અહેવાલો અને રાજકીય રેલીઓમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરી મોટી સંખ્યામાં લોકો બહાર નીકળી રહ્યા હોવાને મામલે ચિંતા વ્યક્ત કરી હતી. આ સંદર્ભમાં ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ જે. બી. પારડીવાલાની ખંડપીઠે સરકારી વકીલને આ મામલે કડક કાર્યવાહી કરવા ટકોર કરી હતી.
ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ જે. બી. પારડીવાલાની બેન્ચે કહ્યું, અનલૉક બાદ લોકો બેફામ બની ગયા. રાજકીય નેતાઓ પણ રેલી-સરઘસ કાઢી રહ્યાં છે. રેલીઓ યોજનારા નેતાઓ સામે રાજ્ય સરકારે કેમ કોઈ પગલાં નથી લીધાં?
હાઇકોર્ટની ટિપ્પણી
- રાજકીય નેતાઓ પણ બિનધાસ્ત રેલી અને સરઘસ કાઢી રહ્યા છે. સરકારે રેલી કાઢનારા નેતાઓ સામે કેમ પગલાં નથી લીધાં? હાઈકોર્ટ વારંવાર ટકોર કરતી રહી છે તોપણ સરકારે કેમ જવાબદારો સામે પગલાં લીધાં નથી?
- હાઇકોર્ટે જણાવ્યું હતું કે અનલૉક આગળ વધતાં રાજ્ય સરકારે નિયંત્રણો હળવાં કર્યાં છે. એ પછી તરત જ લોકો બેફામ બની ગયા અને તદ્દન બેદરકાર બનીને જાહેરમાં માસ્ક પહેર્યા વગર ફરવા લાગ્યા છે.
- જાહેરમાં થૂંકનારાની સૌથી મોટી સંખ્યા રાજકોટમાં છે. રાજકોટમાં 1.51 લાખ લોકો પાસેથી 6.50 કરોડ દંડ વસૂલાયો છે. આંકડો જાણી કોર્ટે નોંધ્યું હતું કે આ રકમ મોટી છે, સરકાર તેનો યોગ્ય ઉપયોગ કરશે એમ કોર્ટ માને છે.