દ્વારકા જિલ્લામાં 6677 વ્યકિતઓની આરોગ્ય તપાસ : ટીમો ઉતરી પડી

પાંચ ગામોને હાઇ રિસ્ક હેઠળ આઇડેન્ટીફાય કરી તમામ ઘરોમાં ચેકીંગ : દવા છંટકાવ કરાયો
જામખંભાળીયા: ચોમાસાની ઋતુ દરમ્યાન મુખ્યત્વે વાહક મચ્છરો દ્વારા ફેલાતા રોગો જેવા કે ડેન્ગ્યુ, મેલેરીયા, ચીકનગુનિયા જેવા રોગોનું પ્રમાણ વધારે જોવા મળે છે. જે અન્વયે છેલ્લા ત્રણ વર્ષમાં મેલેરીયાના કેસોના આધારે ટેકનીકલ એડવાઈઝરી કમિટીના નિયમોનુસાર મેલેરીયા રોગ માટે દેવભૂમિ દ્વારકા ગ્રામ્ય વિસ્તારમાં હોઈરીસ્ક જાહેર થયેલ વિસ્તારોમાં સ્પ્રેઈંગ કામગીરી કરવાની થાય છે.
જેનો પ્રથમ રાઉન્ડ જૂન-2020 માસમાં કરવામાં આવ્યો હતો. અને બીજો રાઉન્ડ તા. 2 થી તા. 22 સપ્ટેમ્બર કુલ 21 દિવસ સુધી કોવિડ-19 અંતર્ગત રાખવાની થતી તકેદારીઓ સાથે સરકાર દ્વારા નકકી થયેલ ગાઈડલાઈન મુજબ હાઈરીસ્ક જાહેર થયેલા ગામોમાં આલ્ફા સાઈપરમેથ્રીન પાવડરનો છંટકાવ કરવામાં આવશે.
જે અંતર્ગત ગત વર્ષના એ.પી.આઈ. 1 થી વધારે હોય તેવા કુલ પાંચ હાઈરીસ્ક ગામો જેવા કે દ્વારકા તાલુકાના મેરીપર અને રાજપરા, કલ્યાણપુર તાલુકાના નાવદ્રા અને ગણેશગઢ તેમજ ખંભાલીયા તાલુકાના સોડસલા ગામે કુલ 1267 ઘરોમાં 6677 લોકોની વસ્તીને આવરી આલ્ફા સાઈપરમેથ્રીન પાવડરનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. સાથે સાથે આ ગામો અને જિલ્લાના અન્ય ગામોમાં પોરાનાશક કામગીરી હાથ ધરવામાં આવી છે.
દરેક ઘરોમાં મેલેરીયા નાબૂદી અંગે પત્રિકાનું વિતરણ કરીને જનસમુદાયમાં જાગૃતિ લાવવા માટે પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો છે. સર્વે કામગીરી દરમ્યાન મચ્છરના ઉત્પતિ સ્થાનો જેવા કે નળની કુંડી, સિમેન્ટની ટાંકી, સીડી નીચેની ટાંકી, બેરલ, પીપ, ટાયર, ડબ્બા, સુશોભન માટેના ફુવારા, ફ્રીઝ- એસી- કુલરની ટ્રે, ફૂલઝાડના કુંડા, પક્ષીઓના પીવાના પાણીના કુંડા, અગાસી, છજામાં ભરતા પાણી, અને વરસાદ બંધ રહયા બાદ બંધીયાર વિસ્તારમાં ભરતા ચોખ્ખા જેવા સ્થળોએ મચ્છરોની ઉત્પતિ અટકાવવાની કામગીરી કરવામાં આવેલ છે. આ સાથે જોખમી સગર્ભા માતાઓને જંતુનાશક દવાયુકત મચ્છરદાનીનું વિતરણ કરવામાં આવ્યું છે. પાણીના મોટા ટાંકા અને ટાંકીઓમાં પોરાભક્ષાક ગપ્પી માછલીઓ મુકવામાં આવી રહી છે.
હાલમાં કોરોના વાઈરસના સંક્રમણને ધ્યાને લઈ આ કામગીરી કોવિડ-19 અંતર્ગત રાખવાની થતી તકેદારીઓ મુજબ જિલ્લાના હાઈરીસ્ક ગામોમાં રહેણાંક મકાનોમાં મચ્છર નાશક દવાના છંટકાવ માટે આરોગ્ય વિભાગના કર્મચારીઓને સહકાર આપી રોગચાળા અટકાયત કામગીરીમાં સહભાગી થવા જિલ્લા દેવભૂમિ દ્વારકાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. આર. વી. પટેલ દ્વારા લોકોને અપીલ કરાઈ છે.