હાથરસ: પીડિતાને સળગાવવાના વિરોધમાં દિલ્હીમાં લોકો રસ્તા પર

UPના હાથરસની ઘટનાના પડઘા દેશભરમાં પડી રહ્યા છે. મહિલા સુરક્ષાને લઇને કેટલાક શહેરોમાં રેલીઓ અને કેન્ડલ માર્ચ યોજાઇ હતી. જ્યારે દિલ્હીમાં જંતર-મંતર પર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા.
દિલ્હીના મુખ્ય-પ્રધાન અરવિંદ કેજરીવાલ, યોગેન્દ્ર યાદવ સહિતના નેતાઓ પણ તેમાં જોડાયા હતા. હાથરસમાં મધરાતે પીડિતાની અંતિમવિધીની ઘટનામાં સામેલ મોટાભાગનો પોલીસ સ્ટાફ સસ્પેન્ડ કરી દેવાયો છે.
અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે આ કેસમાં જે પણ અપરાધી ઠરે તેને ફાંસીની સજા કરવામા આવે. આમ આદમી પાર્ટી, ડાબેરી પક્ષ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ, સામાજિક સંસ્થાઓ, એક્ટિવિસ્ટ્સ, વિદ્યાર્થીઓ, મહિલા સંગઠનો મોટી સંખ્યામાં જંતર મંતર પહોંચ્યા હતા.

ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદ, બોલિવૂડ અભિનેત્રી સ્વરા ભાસ્કર, આપના ધારાસભ્ય સૌરભ ભારદ્વાજ, સ્વરાજ ઇન્ડિયાના નેતા યોગેન્દ્ર યાદવ, ડાબેરી નેતા પ્રકાશ કરાત, સિતારામ યેચુરી, પણ જોડાયા હતા.
જ્યારે ચંદ્રશેખર આઝાદે માગણી કરી હતી કે આ મામલે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ટ્રાયલ ચલાવવામાં આવે અને જે પણ અપરાધીઓ છે તેમને તાત્કાલીક સજા કરવામાં આવે. જ્યાં સુધી આ મામલો દિલ્હીમાં ટ્રાન્સફર ન કરવામાં આવે ત્યાં સુધી અમે ધરણા કરતા રહીશું કેમ કે યોગી આદિત્યનાથની સરકાર પર અમને વિશ્વાસ નથી.
જ્યારે યોગી આદિત્યનાથે ટ્વીટ કરીને મહિલાઓ પર અત્યાચાર કરનારાઓને આકરો સંદેશો આપ્યો છે, તેમણે કહ્યું છે કે ઉત્તર પ્રદેશમાં માતાઓ, બહેનોના સમ્માન અને સ્વાભિમાનને ઠેસ પહોંચાડવાનો વિચારમાત્ર કર્યો છે તો તમારૂ આવી બન્યું સમજો, આવા લોકોએ એવો દંડ આપવામાં આવશે જે ભવિષ્યમાં એક મોટુ ઉદા. સાબીત થશે.ઉત્તર પ્રદેશની સરકાર દરેક માતાઓ, બહેનોની સુરક્ષા માટે કટીબદ્ધ છે વચનબદ્ધ છે.