હાથરસનો પરિવાર લખનઉ જવા રવાના, હાઇકોર્ટમાં સુનાવણી આજે

હાથરસ ગેંગરેપ અને અત્યાચારના કેસની સુનાવણી માટે પીડિતાનો પરિવાર આજે સવારે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે લખનઉ જવા રવાના થયો હતો. અગાઉ આ પરિવારને એક કરતાં વધુ વખત ધમકી મળી હોવાથી રાજ્ય સરકારે કડક સુરક્ષા બંદોબસ્તની વ્યવસ્થા કરી હતી.
અલાહાબાદ હાઇકોર્ટની લખનઉ બેન્ચે આજે 12 ઓક્ટોબરે પીડિતાના પરિવારને કોર્ટમાં રજૂ કરવાની તાકીદ કરી હતી. 14મી સપ્ટેંબરે એક ખેતરમાં ગેંગરેપ અને હિંસક અત્યાચારનો ભોગ બનેલી હાથરસની 19 વર્ષની દલિત યુવતી પંદર દિવસ કોમામાં રહ્યા બાદ દિલ્હીની એક હૉસ્પિટલમાં મરણ પામી હતી.
આ કેસમાં હોબાળો થતાં અલાહાબાદ હાઇકોર્ટે પહેલી ઓક્ટોબરે આ કેસ પોતાના હાથમાં લેતાં ઉત્તર પ્રદેશના ગૃહ સચિવ, પોલીસ વડા, જિલ્લા મેજિસ્ટ્રેટ અને અન્યોને પોતાની સમક્ષ હાજર થવાનો આદેશ આપ્યો હતો. પીડિતાના પરિવારને પણ આજે કોર્ટમાં હાજર કરવાનો આદેશ હાઇકોર્ટે આપ્યો હતો. એટલે આજે સંબંધિત પોલીસ અધિકારી, રાજ્યના ગૃહ સચિવ, પીડિતાનો પરિવાર વગેરે બધાં હાઇકોર્ટમાં રજૂ થશે.