હાથરસ કેસ; સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી, નિર્ભયા કેસના વકીલો ફરીથી જોવા મળશે કોર્ટમાં આમને-સામને

UP પોલીસની ભૂમિકા પર ઉઠ્યા સવાલ, તટસ્થ તપાસની માંગ.
UP ના હાથરસમાં એક યુવતી પર સામુહિક દુષ્કર્મ અને તેની હત્યા કેસની CBI કે SIT તપાસ કરાવવાની માંગ વાળી અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાવાની છે. ઉત્તર પ્રદેશ પોલીસની ભૂમિકા પર પણ સવાલ ઉઠાવવામાં આવ્યાં છે. પોલીસ અને વિપક્ષી નેતાઓ સાથે ઘર્ષણ અને મોડી રાત્રે 2:30 કલાકે પીડિતાના મૃતદેહના અંતિમ સંસ્કાર કરવાનો ઉલ્લેખ પણ અરજીમાં કરવામાં આવ્યો છે.
હાથરસ જિલ્લાના એક ગામમાં 14 સપ્ટેમ્બરે 19 વર્ષની યુવતી પર 4 યુવકોએ સામુહિક દુષ્કર્મ આચર્યુ હતું. જે બાદ 29 સપ્ટેમ્બરરે દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં ઈજાગ્રસ્ત યુવતીએ અંતિમ શ્વાસ લીધા હતા. મોત બાદ પોલીસે મોડી રાત્રે યુવતીના અંતિમ સંસ્કાર પણ કરી દીધા હતા. જેના કારણે મામલો બીચક્યો હતો.
હાથરસ કેસમાં દાખલ આ અરજી પર CJI એસએ બોબડે, જસ્ટીસ એએસ બોપન્ના અને ન્યાયધીશ વી રામાસુબ્રમણ્યમની બેંચ સુનાવણી કરશે. આ અરજીમાં સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના વર્તમાન કે નિવૃત ન્યાયાધીશની દેખરેખમાં સમગ્ર કેસની તપાસ કરાવવાની માંગ કરવામાં આવી છે.