
- ભારતમાં કોરોના વાયરસની ત્રણ વેકસીનનું માનવ પરિક્ષણ ચાલી રહ્યું છે
- આમાંથી બે માર્ચ સુધીમાં લોન્ચ થઇ જશે : સરકારે ઉચ્ચકક્ષાની બેઠક યોજી
- સિરમ અને ભારત બાયોટેકની વેકસીન સૌ પહેલા આવી જશે
- સ્વદેશી વેકસીનથી સમગ્ર દેશને ઘણી ઉમ્મીદ છે
કોરોના મહામારીની વેકસીન માટે સમગ્ર વિશ્વના વૈજ્ઞાનિકો યુધ્ધસ્તરે રિસર્ચ કરી રહ્યા છે. કેટલીક વેકસીન ટ્રાયલના ત્રીજા તબક્કામાં પહોંચી ગઇ છે. તો ભારતમાં પણ ત્રણમાંથી ઓછામાં ઓછી બે વેકસીન આવતા માર્ચ સુધીમાં લોન્ચીંગ થવાની આશા છે. સરકારે વેકસીન વિતરણથી લઇને તેની વ્યવસ્થાની તૈયારી પણ શરૂ કરી દીધી છે. સરકારને પણ આવતા વર્ષના પ્રારંભ સુધીમાં કોવિડ-૧૯ની વેકસીન મળવાની આશા છે.
કોવિડ-૧૯ની રસી આવતા માર્ચ સુધીમાં મળી જશે. ભારત સરકારને આશા છે કે ત્યાં સુધીમાં ત્રીજા તબક્કાની ટ્રાયલ પુરી થઇ જશે અને નિષ્ણાંતો તરફથી મંજૂરી પણ મળી જશે. દેશમાં કુલ ત્રણ રસીનું માનવ પર પરિક્ષણ થઇ રહ્યું છે. સરકારને લાગે છે કે આમાથી બે તો માર્ચ સુધીમાં લોન્ચ માટે તૈયાર થઇ જશે. ગયા સપ્તાહે ત્રણ મોટી વેકસીન બનાવતી કંપનીઓ સાથે સરકારે બેઠક કરી હતી. તેમાં વેકસીનની ઉપલબ્ધતાથી લઇને મંજૂરી અને વિતરણના પડકારો અંગે વાતચીત થઇ હતી.
જો બધુ સમુનમુ પાર પડયું તો આ કંપનીઓ માર્ચ સુધીમાં વેકસીન લોન્ચ કરી દેશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ પણ કહ્યું છે કે જુલાઇ ૨૦૨૧ સુધીમાં ૪૦ થી ૫૦ કરોડ ડોઝ મેળવવાની યોજના બનાવી રહી છે. શિરમ ઇન્સ્ટીટયૂટ ભારતમાં વેકસીન લાવી રહ્યું છે. તેની કિંમત ૧૦૦૦ની આસપાસ રહેશે. જ્યારે ભારત બાયોટેક પણ એક વેકસીન બનાવી રહી છે તેની કિંમત લગભગ ૧૦૦ રૂપિયાથી પણ ઓછી હોય શકે છે. ઝાયડસ કેડીલા પણ વેકસીન બનાવી રહી છે. તેની વેકસીન પણ ૧૦૦૦ની આસપાસમાં મળશે. શરૂઆતમાં ડોકટરો, નર્સ, હેલ્થ કેર વગેરેને આ વેકસીન અપાશે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે વેકસીન બનાવતી કંપનીઓ પાસેથી તેની પ્રગતિનો રિપોર્ટ માગ્યો છે અને કોઇ મદદની પણ ઓફર કરી છે.