
સુરત અને સૌરાષ્ટ્રવાસીઓ માટે મોટા ખુશીના સમાચાર આવ્યા છે. લાંબા સમયથી અટકી પડેલી ઘોઘા રોપેક્સ સેવા ટૂંક સમયમાં ફરી શરૂ થવાની છે. ઘોઘાથી હજીરા વચ્ચે રોપેક્ષ સેવા કંપની દ્વારા સ્ટ્રક્ચરનો તખ્તો તૈયાર કરાયો છે. જૂની કંપની ડીજી સી કનેક્ટ રો રો ફેરી સેવા ચલાવશે. અગાઉ ડીજી સી કનેક્ટ કંપની ઘોઘાથી દહેજ રોરો ફેરી ચલાવતી હતી. દિવસમાં 3 ટ્રીપ દોડાવવા માટેનું આયોજન કરાયું છે. પેસેન્જર તેમજ વાહનોના દર કંપનીએ નક્કી કરી લીધા છે. સરકાર તેને લીલી ઝંડી આપે એટલે રોપેક્ષ સેવા શરૂ કરાશે. જેથી હવે ઘોઘાથી હજીરા સુરત માત્ર 4 કલાકમાં પહોંચી શકાશે.
આ રોપેક્ષ સેવા ફરી શરૂ થશે તો આ સુરતના વેપારીઓ માટે ઘણા રાહતના સમાચાર રહેશે. તેઓ સૌરાષ્ટ્ર હવે સરળતાથી જઈ શકશે. ઉલ્લેખનીય છે કે, દહેજથી ઘોઘા જતી રોપેક્ષ ફેરી સર્વિસમાં યાંત્રિક ખામી સર્જાવવાના કારણે જહાજ મધદરિયે બંધ પડ્યું હતું. તેથી રોપેક્ષ ફેરીની તમામ ટ્રીપ રદ કરવામાં આવી છે. જે મુસાફરોનું બુકિંગ કરવામાં આવ્યું હતું તેમને રિફંડ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સર્વિસમાં કાર્ગો ફેરીના સ્થાને ઈન્ડિગો વન જહાજ ચલાવવામાં આવે છે. ગત 21મી નવેમ્બરના રોજ રો-રો ફેરીનું જહાજ મધ દરિયે ખોટવાઇ ગયું હતું. યાત્રિક ખામી સર્જાતા જહાજ બંધ પડી ગયું હોવાથી મુસાફરોમાં ઉચાટ વ્યાપી જવા પામ્યો હતો.
ભારતની પ્રથમ RO-PAX ફેરી સર્વિસ ઘોઘા અને દહેજ બંદરો વચ્ચે ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના હસ્તે તા.27 ઓક્ટોબર, 2018ના રોજ તેની સફરનો પ્રારંભ કરાયો હતો.. આ જહાજે ‘વોયેજ સિમ્ફની’ તેની પ્રથમ સફર ઘોઘા ટર્મિનલથી શરૂઆત કરી હતી. આ જ રૂટ ઉપર હાઈસ્પીડ ‘પેસેન્જર’ ફેરી સર્વિસનો પ્રારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે તા.22 ઓક્ટોબર, 2017ના રોજ કરવામાં આવ્યો હતો.
આ પ્રોજેક્ટ ગુજરાતના દહેજ અને ઘોઘા પોર્ટ વચ્ચે ખંભાતના અખાતમાં શરૂ કરાયો છે. આ એક પડકારરૂપ પ્રોજેક્ટ છે, કારણકે અહિંના મોજાઓમાં 11 મીટરથી વધારે વિવિધતા જોવા મળી છે અને તેનો પ્રવાહ દિવસ દરમ્યાન 4 થી 5 નોટીકલ માઈલ્સ જેટલો રહેતો હોય છે. આવી વિપરીત સ્થિતિમાં પ્રોજેક્ટ વિકસાવવો તે ગુજરાત મેરીટાઈમ બોર્ડ માટે સૌથી મોટો પડકાર હતો અને તે ઉપાડી લેવામાં આવ્યો છે. તેમણે તેમની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરી છે અને હવે આઈએસપીએલ ફેરીનું સંચાલન સફળતાપૂર્વક હાથ ધરશે.