ગુજરાતના વધુ ૧૦ લાખ પરિવારોને રાહત, ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ અનાજ આપવા સરકારનો નિર્ણય..

ગુજરાતના ૧૦ લાખ પરિવારોને નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ અંતર્ગત રાહત દરે અનાજ આપવાનો રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.
આ નિર્ણયને પગલે ૧૦ લાખ પરિવારોને પ્રતિમાસ બે કિલો ઘઉં, ૩ કિલો ચોખા મળી વ્યક્તિદીઠ પાંચ કિલો અનાજ સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો-પંડિત દીન દયાલ ઉપાધ્યાય ગ્રાહક ભંડાર પરથી વિતરણ કરવામાં આવશે. કુલ ૫૦ લાખ લોકો રાહત દરે અનાજ મેળવી શકશે તેવો દાવો કરાયો છે.

વૃદ્ધ પેન્શન યોજના અંતર્ગત પેન્શન મેળવતા વડીલોને એનએફએસએ અંતર્ગત અનાજ મેળવવાની વયમર્યાદા ૬૫ ને બદલે ૬૦ વર્ષ કરવાનો નિર્ણય લેવાયો છે.
રાજ્ય સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થાઓ-વૃદ્ધાશ્રમોમાં વસતા વડીલો-વૃદ્ધોને પણ આ યોજનાનો લાભ આપવામાં આવશે. આ ઉપરાંત રાજ્યના એનએફએસએમાં સામેલ ન હોય તેવા જરૃરતમંત બીપીએલ પરિવારોને પણ ફૂડ સિક્યુરિટી એક્ટનો લાભ આપવા માટે સૂચના મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવેલી છે. આ ઉપરાંત ગુજરાત શ્રમિક કલ્યાણ બોર્ડના નોંધાયેલા બાંધકામ શ્રમિકો કન્સ્ટ્રક્શન વર્કરોને પણ એનએફએસએ યોજના હેઠળ આવરી લેવાશે.
મુખ્યમંત્રી વિજય રૃપાણી દ્વારા પ્રથમવાર એવું પણ નિર્ધારીત કરવામાં આવ્યું છે કે નગરો-શહેરો-ગામમાં વસતા રિક્ષા-છકડો-મિની ટેમ્પો જેવા થ્રી વ્હીલર વાહનો ચલાવનારા એવું રોજનું કમાઇને રોજનું ખાનારા-પરિવારનું ગુજરાન ચલાવનારા વાહન ચાલકોને પણ રાહત દરે અનાજનો લાભ અપાશે.
કોરોનાને પગલે પ્રવર્તમાન સ્થિતિએ સમગ્ર રાજ્યમાં કુલ જનસંખ્યાના ૫૦ ટકા એટલે કે સવા ત્રણ કરોડથી વધુ લોકોને એનએફએસએ અંતર્ગત દર મહિને રાહત અનાજ વિતરણ કરવામાં આવે છે.