
આજ દ્વારકા જગતમંદિરમાં ઠાકોરજીને વ્રજભાવ અને ગ્વાલભાવથી શ્રૃંગાર કરવામાં આવ્યા હતા. આજે ઠાકોરજીના નિજમંદિરમાં વિશેષ કુંજવનની જાખી તૈયાર કરી ઠાકોરજીના ઉત્સવસ્વરૂપ એવા શ્રીગોપાલલાલજીને ગોપગ્વાલ સાથે બિરાજમાન કરાવી ઉત્સવ મનાવવામાં આવેલ. અધિકમાસમાં વર્ષભરના ઉત્સવો મનાવવામાં આવતા હોય છે અને ખાસ કરીને અધિકમાસની બન્ને અષ્ટમીનું દ્વારકાધિશ જગતમંદિરમાં વિશેષ મહત્વ હોય છે અને ગોપાષ્ટમીના ઠાકોરજીને ગૌચારણનો ભાવ સેવાપુજા દરમ્યાન કરાવામાં આવે છે. એટલે ગોપઅષ્ટમીએ ઠાકોરજીની પ્રીય તિથી માનવામાં આવે છે. આ દિનની સર્વ વૈષ્ણવો આતુરતાથી રાહ જોતા હોય છે. જેથી આજના દિનના દર્શનનુ પણ વિશેષ મહત્વ કહેવામાં આવેલુ છે. ગોપાષ્ટમીના ઠાકોરજીને વિશેષભોગ પણ લગાવવાનો મહિમા છે. અને ઠાકોરજીના ગ્વાલબાલ સાથે કુંજવનના દર્શનનો ભક્તો વિશેષ લાભ પણ લેતા હોય છે.જગત મંદિર માં ગોપઅષ્ટમીના દિને સવારમાં મંગલા આરતી થયા બાદ ઠાકોરજીને સ્નાન અભિષેક કરાવ્યાબાદ વિશેષ શિંગાર કરવામાં આવે છે. અને ત્યારબાદ શૃંગાર આરતી કરવામાં આવે છે. આજના દિને શ્રીજીને અર્પણ કરાતા બધા ભોગમાં ખાસ ગ્વાલભોગ નુ મહત્વ માનવામાં આવ્યુ છે. સાંજના સમયમાં ઉત્થાપન થયા બાદ સાંધ્યઆરતી કરવામાં આવે છે અને શયન ના ક્રમ સાથે આ ઉત્સવ પરીપુર્ણ કરવામાં આવે છે.