ગરબાના ખેલૈયાઓ માટે ખુશખબર: 200 લોકો સાથે ગરબા યોજાઈ શકે: નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ

રિ-ઓપનની નવી ગાઈડ લાઈન મુજબ મંજૂરી આપવાની શક્યતા
રાજ્યમાં કોરોનાના કહેર વચ્ચે નવરાત્રિના આયોજન અંગે લોકોમાં ઉત્સુકતા વધી રહી છે. જો કે આ મામલે રાજ્ય સરકાર હજુ સુધી નિર્ણય લઈ શકી નથી. નવરાત્રિ મા માત્ર 2અઠવાડીયા જ બાકી હોવા છતાં ગરબાની મંજરી આપવા અંગે ગુજરાત સરકાર અસમંજસમાં. આ પહેલા મોટા મેદાનમાં ગરબાને મંજૂરી નહીં આપવામાં આવે એવું કહ્યા બાદ આજે નાયબ મુખ્યમંત્રીના સૂર બદલાયા હતા. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે 200 લોકો સાથે રિઓપનની નવી ગાઈડ લાઈન મુજબ ગરબા યોજાઈ શકે છે.
30 સપ્ટેમ્બરે નીતિન પટેલે કહ્યું હતું કે રાજ્યમાં મોટા ગરબા આયોજનની મંજૂરી મળે તેવી શક્યતા નથી. ગ્રામ્ય કક્ષાએ-શહેરોમાં શેરીગરબા સંદર્ભે કેવી રીતે મંજૂરી આપવી એ મુદ્દે સરકારે હાલ કોઈ નિર્ણય કર્યો નથી. ધાર્મિક માન્યતાને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારની નવી ગાઇડલાઇન્સ આવે અને તેમાં જે છૂટછાટ અપાય તેના આધારે આગામી દિવસોમાં નિર્ણય લેવાશે.
અગાઉ રાજ્યના તમામ મોટા ગરબા આયોજકો ગરબા રમાડવાનો ઇનકાર કરી ચૂક્યા હતા. ત્યારબાદ 26 સપ્ટેમ્બરે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે કોરોનાના કારણે જીએમડીસી ગ્રાઉન્ડમાં યોજાનારા વાઈબ્રન્ટ નવરાત્રિ મહોત્સવને રદ કરાયો છે.