ભુજમાં સગીરા ઉપર ગેંગરેપ : પ્રેમીને મેળવી દેવાની લાલચ આપી પીંખી નાખી

ચકચાર સર્જતી ઘટના અંગે મોડી રાત્રે થયેલી ફરિયાદ : ૧૫ દિ’ પછી ફરી આરોપીઓએ શરીર સબંધ બાંધવા બ્લેકમેઇલ કરી
૧૭ વર્ષની સગીર વયની ભુજની યુવતી ઉપર થયેલ સામુહિક બળાત્કારની ઘટનાની પોલીસ ફરિયાદે કચ્છમાં ચકચાર સર્જી છે. ભુજની રામનગરી નજીક શ્રમજીવી વસાહતમાં રહેતી ૧૭ વર્ષીય સગીરાને તેના પ્રેમી સુરેશને મેળવી આપવાની લાલચ આપી વિશ્વાસમાં લઈ સુલતાન અને નાનો સુલતાન નામના બે યુવાનો બાઈક ઉપર અવાવરુ જગ્યાએ લઈ ગયા હતા. ત્યાં પહેલેથી અન્ય બે યુવાનો પણ મોજુદ હતા. બાદમા સૌએ ભેગા મળીને સગીરાને પીંખી નાખી હતી. બળાત્કાર ગુજાર્યા બાદ પરત તેને ઘર પાસે છોડી ગયા હતા.
ભુજ બી ડિવિઝન પોલીસમાં મોડી રાત્રે ફરિયાદ નોધાવવાની તજવીજ દરમ્યાન મળેલી માહિતી અનુસાર આ ઘટના ૧૫ દિ પહેલાં બની હોવાનુ જાણવા મળે છે. ગેંગરેપની ઘટના બાદ ફરિયાદી સગીરા પોતાની બહેનને ઘેર ચાલી ગઈ હતી.
પણ, તે પરત પાછી ફરી ત્યારે ફરી આરોપી યુવાનોએ તેણીને બ્લેકમેઈલ કરી તેમની સાથે શરીર સબંધ બાંધવાનું દબાણ કરતાં, તેણીની માતાને મારી નાખવાની ધમકી આપી શરીર સબંધ રાખવાનું કહેતા અંતે સગીરાએ પોતાના પરિવારજનોને પોતાની આપવીતીની જાણ કરીને પોલીસ ફરિયાદ નોંધાવવાની હિંમત કરી હતી. તે યુવતીને બાઈક ઉપર લઈ જનારના નામ સુલતાન હોવાનુ બંને સુલતાન હોઇ એક નાના સુલતાન તરીકે ઓળખાતો હોવાનુ અને ત્યાં અન્ય એક યુવાન ઉપરાંત ભાવેશ ઉર્ફે ભાવલો હોવાનુ જાણવા મળે છે.
કુલ પાંચ આરોપીઓની સામે ફરિયાદ બાદ પોલીસે તેમની ઓળખ કરવાની અને તેમની ધરપકડ કરવાની ગતિવિધિ હાથ ધરી છે.