હાથરસ પછી બલરામપુરમાં ગેંગરેપ: 22 વર્ષની યુવતી સાથે રાક્ષસી અત્યાચાર હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ મોત..

કોલેજની ફી જમા કરાવવા માટે નીકળી હતી, 9 કલાક પછી બેભાન અવસ્થામાં મળી.
ઉત્તરપ્રદેશના હાથરસ પછી હવે બલરામપુર જિલ્લામાં દલિત યુવતી સાથે ગેંગરેપની ઘટના બની છે. 22 વર્ષની કોલેજની વિદ્યાર્થિનીને કિડનેપ કરી ઈન્જેક્શન આપીને બેભાન કરી દીધી અને ત્યાર પછી બે આરોપીએ દુષ્કર્મ કર્યું. છોકરીની હાલત એટલી ખરાબ થઈ ગઈ કે તેને હોસ્પિટલ પહોંચાડવામાં આવે એ પહેલાં જ તેનું મોત થઈ ગયું. પોલીસે સાહિલ અને શાહિદ નામના બે આરોપીની ધરપકડ કરી લીધી છે. તેમના વિરુદ્ધ ગેંગરેપ અને હત્યાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.
યુવતી કોલેજની ફી જમા કરાવવા મંગળવારે સવારે 10 વાગે ઘરેથી નીકળી હતી. સાંજ સુધી પરત ન આવતાં ઘરના લોકોએ ફોન કર્યો, પરંતુ ફોન બંધ આવતો હતો. સાંજે 7 વાગતાં યુવતી ગંભીર હાલતમાં રિક્ષામાં ઘરે આવી હતી. તેના હાથ પર ઈન્જેક્શનનું નિશાન હતું. તે બેભાન અવસ્થામાં હતી અને બોલી પણ નહોતી શકતી. પરિવારજન તેને તરત ડોક્ટર પાસે લઈ ગયા. ત્યાર પછી ડોક્ટરના કહેવાથી તેને લખનઉ લઈ જઈ રહ્યા હતા, પરંતુ રસ્તામાં જ તેનું મોત થઈ ગયું.

પીડિતાની માતાએ જણાવ્યું કે, છોકરી કોલેજથી પરત આવી રહી હતી. રસ્તામાં કારમાં આવેલા 3-4 લોકોએ તેનું અપહરણ કર્યું અને નશા વાળું ઈન્જેક્શન આપીને તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. મારી દીકરીની કમર અને પગ તોડી દીધા હતા. તેથી તે સરખી રીતે ઉભી પણ થઈ શકતી ન હતી અને બોલી પણ ન હતી શકતી. બસ તે માત્ર એટલું જ કહી શકી કે, પેટમાં બહુ જ બળી રહ્યું છે, હું મરી જઈશ.
અખિલેશ યાદવે ટ્વિટ કરીને કહ્યું છે કે, હાથરસ પઠી હવે બલરામપુરમાં પણ એક દીકરી સાથે સામૂહિક દુષ્કર્મ કરવામાં આવ્યું છે. ભાજપ સરકાર બલરામપુરમાં હાથરસ જેવી બેદરકારી અને ભીનું સંકેલવાનો પ્રયત્ન કરી રહી છે. જ્યારે આરોપીઓ સામે તુરંત કાર્યવાહી કરવાની જરૂર છે.