કાલથી અંબાજી મંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે ખુલશે

ચાચર ચોકમાં સહસ્ત્રચંડી મહાયજ્ઞ, છઠ્ઠા દિવસે માતાજીના લલીતા સહસ્ત્રનું પઠન-અર્ચન-હોમ કરાયા: 6 દિવસમાં 29.50 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ઘરે બેઠા ડિજિટલ દર્શન કર્યા
બુધવારે ભાદરવા સુદ પૂર્ણિમા અને સામાન્ય રીતે આ દિવસે શક્તિપીઠ અંબાજી ખાતે ભવ્ય મેળો યોજાતો હોય છે. પરંતુ કોરોના મહામારીને પગલે આ વખતે મંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે બંધ છે. હવે ૩ સપ્ટેમ્બરથી અંબાજી મંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવશે.
શ્રી આરાસુરી અંબાજી મંદિરે એક યાદીમાં જણાવ્યું કે, ’દર્શનાર્થીઓ માટે ૨૪ ઓગસ્ટથી ૨ સપ્ટેમ્બર સુધી મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. કોરોના વાયરસથી જનજીવનનું રક્ષણ થાય તેવા આશયથી ચાચર ચોકમાં સહસ્ત્રચંડી મહાયજ્ઞા યોજાઇ રહ્યો છે. મંગળવારે છઠ્ઠા દિવસે માતાજીના લલીતાસહસ્ત્રનું પઠન-અર્ચન-હોમ કરાયા હતા.
ચંડીપાઠમાં બ્રાહ્મણો દ્વારા માતાજીના મંદિરમાં બેસી ૧ હજારથી વધુ પાઠ કરાયા હતા. સંપૂર્ણ યજ્ઞાની પ્રાપ્તિ થાય માટે આ પાઠનો હોમ કરવામાં આવ્યો હતો વિશ્વભરમાં વસતા મા અંબાના શ્રદ્ધાળુઓ માટે દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટની વેબસાઇટ, ફેસબૂક, યુ ટયુબ, ટ્વીટર, લાઇવ સ્ટ્રીમિંગ સર્વરના ડિજિટલ પ્લેટફોર્મ પર ૨૭ ઓગસ્ટથી જીવંત પ્રસારણ કરાઇ રહ્યું છે. આ ૬ દિવસમાં ૨૯.૫૦ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ઘરે બેઠા ડિજિટલ દર્શન કર્યા છે.