
અગાઉ જેમણે રસીનો પ્રથમ ડોઝ ન લીધો હોય એવા પત્રકારો, એમના પરિવારજન પ્રથમ ડોઝ પણ લઈ શકશે: રાજુભાઇ ધ્રુવ. રાજકોટ મનપા દ્વારા આયોજીત બીજા કોરોના રસીકરણ કેમ્પનો સમાચાર માધ્યમો ના તમામ મીડિયાકર્મીઓ લાભ લે એવી ભાજપ પ્રવક્તા રાજુભાઈ ધ્રુવ અંતઃ કરણપૂર્વકની અપીલ.
રાજકોટ મહાનરપાલિકાએ ગત તા. 30 મી માર્ચે રાજકોટના પત્રકારો, કેમેરામેન, ફોટોગ્રાફર માટે કોરોનાથી રક્ષણ મળે એ માટેના કેમ્પનું આયોજન કર્યું હતું. રસીકરણ ના બીજા ડોઝ માટે પણ તા. 30 એપ્રિલ ને શુક્રવારે એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સૌ પત્રકારોને આ આયોજન અંતર્ગત રસી મુકાવી સુરક્ષિત થવા ભાજપના પ્રવકતા રાજુભાઇ ધ્રુવે અનુરોધ કર્યો છે.
ગયા મહિને મહાપાલિકાની વેસ્ટ ઝોન ઓફિસે યોજાયેલ આ રસીકરણ કેમ્પમાં પત્રકારો અને તેમના પરિવારજનો એમ મળી અંદાજે 500 લોકોએ કોરોના વેક્સિન મૂકાવી હતી. હવે એક મહિના બાદ કોરોના વેક્સિનનાં બીજા ડોઝ માટે આગામી 30 એપ્રિલ શુક્રવારનાં રોજ સવારે 9 વાગ્યાથી સાંજે 8 વાગ્યા સુધી રાજકોટ મનપાની વેસ્ટઝોન ઓફિસ ખાતે આ કેમ્પનું ફરી એક વખત આયોજન કરવામાં આવ્યું છે.
રાજકોટ મનપા દ્વારા આયોજીત આ કેમ્પની ખાસ વાત એ હશે કે, ગત કોરોના રસીકરણ કેમ્પમાં રસી ન લઈ શક્યા હોય તેવા પત્રકાર મિત્રો અને તેમના પરિવારજનો પણ આ કોરોના વેક્સિનેશન કેમ્પમાં પ્રથમ ડોઝ લઈ શકશે. આ સાથે જ જે પત્રકાર મિત્રો અને તેમના પરિવારજનોએ પ્રથમ કોરોના વેક્સિન ડોઝ લીધો છે તેમને બીજો ડોઝ લેવાની તેમજ કોરોના રસી લેવાની બાકી હોય તેવા તમામ પત્રકારો – મીડિયા મિત્રો અને તેમના પરિવારજનોને કોરોના વિરૂદ્ધની વેક્સિન લેવાની અપીલ ભાજપ પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે કરી છે. તમામ સમાચાર માધ્યમોનાં પત્રકારો, પ્રિન્ટ-ઈલેટ્રોનિક મીડિયાનાં મિત્રોને 30 એપ્રિલ સવારે ૯ કલાકે રાજકોટ મહાનગરપાલિકા વેસ્ટઝોન કચેરી ,150 રિંગ રોડ, બિગ બઝાર પાસે રાજકોટ ખાતે ઉપસ્થિત રહેવા વિનંતી છે.
આ પણ વાંચો..
આઇસોલેશનમાં રહેતા દર્દીઓ માનસિક રીતે પડી ન ભાંગે તે માટે વિવિધ પ્રયોગો હાથ ધરાયા..
ભાજપના પ્રવકતા રાજુભાઇ ધ્રુવે જણાવ્યું હતું કે, કોરોના મહામારીના કાળમાં પત્રકાર જગત સાથે જોડાયેલા વ્યક્તિઓએ તેમજ તેમના પરિવારજનોએ જીવ ગુમાવ્યાંના અનેક બનાવ સામે આવી ચૂક્યા છે. ત્યારે દિનપ્રતિદિન કોરોના મહામારીનો કેર વર્તાઈ રહ્યો છે. આ સમયે આપણી સૌની ફરજ છે કે વેક્સિન થી પોતાને તેમજ પોતાના પરિવારજનોને સુરક્ષા પ્રદાન કરીએ.
ઉલ્લેખનીય છે કે રાજકોટના કેટલાક પત્રકારોએ ગયા મહિને રાજુભાઇ ધ્રુવને વિનંતી કરીને પત્રકારોને પણ કોરોના ના વોરિયર ગણીને રસી કરણમાં અગ્રતા મળે એવી રજૂઆત કરી હતી. આ વાત રાજુભાઇ ધ્રુવે રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ધ્યાને મૂકી હતી. રાજકોટ મહાનગરપાલિકાએ મીડિયા કર્મીઓ માટે મુખ્યમંત્રી શ્રી ની સુચના થી આ કેમ્પનું આયોજન કર્યું હતું.
કોરોના રસી ઉપરાંત તા. 30 મી એપ્રિલે પત્રકારોના ડાયાબિટીસના ટેસ્ટ અને બ્લડ પ્રેશરની પણ તપાસ કરી આપવામાં આવશે. આ કોરોના રસીકરણ- 2 કેમ્પ-કાર્યક્રમ મેયરશ્રી-પદાધિકારીઓ-મ્યુનિસિપલ કમિશનરશ્રી તથા અગ્રણીઓ ની ઉપસ્થિતિ માં યોજાનાર છે. રાજકોટ ના સમાચાર માધ્યમો ના પત્રકારમિત્રો ને જરૂરી ઓળખપત્ર-આધાર સાથે ઉપસ્થિત રહી રસીકરણ કરાવવા આગ્રહપૂર્વક વિનંતી કરતા રાજુભાઈ ધ્રુવે જણાવ્યું છે.