
સિનિયર સિટીઝન, દિવ્યાંગ અને કોરોના દર્દીઓના મતદાન માટે અલગ વ્યવસ્થા પરંતુ મતદારોએ રજીસ્ટ્રેશન કરાવવું પડશે, ચૂંટણી પ્રચાર માટે માત્ર 11 દિવસ મળશે
ગુજરાતમાં ત્રીજી નવેમ્બરે યોજાનારી પેટાચૂંટણીમાં મતદાન કંગાળ થાય તેવો ભય ભાજપ અને કોંગ્રેસ એમ બન્ને પાર્ટીના પ્રદેશ નેતાઓ સેવી રહ્યાં છે. આમ પણ પેટાચૂંટણી આવે છે ત્યારે મતદાન 45 ટકાથી વધતું નથી ત્યારે કોરોના સંક્રમણના સમયે મતદાન 40 ટકા કે તેનાથી ઓછું થાય તેવો આઇબીનો રિપોર્ટ સરકારમાં સબમીટ થયો છે.
રાજ્યમાં વિધાનસભાની ખાલી પડેલી આઠ બેઠકો માટે 3જી નવેમ્બરે મતદાન છે જ્યારે ઉમેદવાર પસંદગી અને ફોર્મ ભરાવાની પ્રક્રિયા ઓક્ટોબરના મધ્યમાં પૂર્ણ થશે ત્યારે ઉમેદવારો તેમજ પાર્ટીઓને ચૂંટણી પ્રચાર માટે માત્ર 11 દિવસ મળવાના છે. આ દિવસોમાં ડોર ટુ ડોર પ્રચાર થશે નહીં તેથી ભાજપે તો સોશ્યલ મિડીયા પર ચૂંટણી પ્રચાર કરવાનું નક્કી કર્યું છે. રેલી કે સભામાં મોટી ભીડ એકત્ર કરી શકાશે નહીં તેવો આદેશ હોવાથી આ વખતે રેલીમાં પણ સામાન્ય જનતા જોડાશે નહીં.
આ વખતે ભારતના ચૂંટણી પંચ તરફથી એક ગાઇડલાઇન નક્કી થઇ છે, જેમાં વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગો માટે અલગ મતદાન વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. એ સાથે જ કોરોના દર્દીઓને મતદાન માટેની વ્યવસ્થા અલગ કરવામાં આવી છે. મતદારો ટપાલ દ્વારા પણ મતદાન કરી શકશે પરંતુ તે માટે અગાઉથી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.