પાકિસ્તાન બોર્ડર નજીક ભચાઉમાં વિમાનોનાં ચક્કરથી ગામલોકોમાં ભય ની સ્થિતિ

ખૂબ નીચે ઊડતાં વિમાનોથી ગ્રામજનોમાં ભયનો માહોલ હતો
ભચાઉ તાલુકાના તેમજ ભારત-પાકિસ્તાન બોર્ડર નજીક આવેલા ચોબારી ગામના લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. નીચી ઊંચાઈ પર વિમાનોનાં ચક્કર અને અવાજોથી ગામનાં લોકોમાં ભય ભય ની સ્થિતિ હતી. ગામના ડરેલા લોકોએ સરપંચને જાણ કરતાં આખરે સરપંચે ભચાઉ પોલીસને જાણ કરી હતી.

બાદ તપાસમાં એવું જાણવા મળ્યું હતું કે ગામ ઉપર રાઉન્ડ લગાવતાં વિમાનો ભારતીય વાયુસેનાનાં હોવાની ખાતરી થતાં ચોબારી ગામના લોકોમાં થોડી રાહત થઇ હતી, પરંતુ હજુ સુધી કારણ જાણવા મળ્યું નથી કે આ વિમાનો શા કારણે ચોબારી અને આજુ-બાજુના વિસ્તારોમાં ખૂબ નીચી ઊંચાઈથી ચક્કર મારી રહ્યાં હતાં.
ચોબારી ગામના સરપંચ વેલજીભાઈ આહીરે જણાવ્યું હતું કે વિમાનોનાં ચક્કર લગાવવાથી ગામના કેટલાક લોકોનાં મને ફોન પણ આવ્યા હતા. તેમણે મને જણાવ્યું હતું કે લોકો ભયમાં મુકાયા છે. ત્યારે અમે આ વિમાનોના વિડિયો-ફોટો લઈ ચોક્સાઈ કરતાં એ ભારતીય વાયુસેનાનાં હોવાનું જાણવા મળ્યું છે.