ખેડૂતોને આઝાદી મળશે કે ગુલામી….??

ત્રણ બિલ/કાયદાઓ ખેડૂતોને તારશે કે મારશે…..????
વડાપ્રધાન કહે છે કે ‘1947 પછી પ્રથમ વખત સરકારે ક્રાંતિકારી પગલું લીધું છે; જેથી ખેડૂતોને આઝાદી મળશે; ખેડૂતો ખુશખુશાલ થઈ જશે. પરંતુ હકીકત શું છે ?? દેશના ખેડૂતોને આઝાદી મળશે કે કોર્પોરેટ કંપનીઓને ?? ખેડૂતો ખુશ થશે કે અદાણી-અંબાણી ?? કૃષિ સંબંધી ત્રણ બિલથી કોને નુક્શાન થશે, કોને ફાયદો થશે ???

શું છે આ ત્રણ અધ્યાદેશો-Bills ???
બિલના નામ લલચામણા છે; છેતરામણા છે પ્રથમ દ્રષ્ટિએ એવું લાગે કે ખેડૂતોના હિત માટે જબરજસ્ત જોગવાઈઓ આ કાયદાઓમાં કરી છે. એક અધ્યાદેશ કહે છે કે ખેડૂતોની મરજી હોય તેટલો કૃષિ પેદાશોનો સંગ્રહ તે કરી શકશે ! આવશ્યક ચીજવસ્તુઓના સ્ટોક ઉપર કોઈ મર્યાદા નહીં રહે. પૂરી આઝાદી ખેડૂતોને સારા ભાવ મળે ત્યારે વેચે અરે, આવી આઝાદી તો અત્યારે પણ છે. તો પછી આવી જોગવાઈ કોના માટે સરકારે કરી છે ???? કોર્પોરેટ કંપનીઓ માટે ! ખેડૂત પાસે સ્ટોરેજની વ્યવસ્થા નથી; સંગ્રહ કરવાની તેવડ નથી; માલ વેચવાની મજબૂરી હોય છે. આ સંજોગોમાં સ્ટોરેજ કરવાની આઝાદી આપવાનો કોઈ અર્થ ખરો ?? કૃષિ પેદાશોના ભાવ વધે ત્યારે નફો વેપારીઓના ખિસ્સામાં જાય છે. અને ભાવ ઘટે તો ખેડૂતોના ખિસ્સા કરજ લેવા તરસે છે. નવી જોગવાઈ મુજબ કૃષિ પેદાશોની નિકાસ કરવામાં આવે તો તે માટે ગમે તેટલો સંગ્રહ કરી શકાશે. અદાણી-અંબાણી/કોર્પોરેટ કંપનીઓ માટે જ આ જોગવાઈ કરી છે; ખેડૂતો માટે નહીં. શું આ સંગ્રહખોરી/કાળાબજાર અનુમતિ કાનૂન નથી ?? બીજો અધ્યાદેશ કહે છે કે કોર્પોરેટ કંપનીઓ ખેડૂતો સાથે MOU/કોન્ટ્રાક્ટ કરી શકશે ! ખેડૂત, બોન્ડેડ લેબર બની જશે; ગુલામ બની જશે ! ઝઘડો થાય તો કંપનીઓને અનુકૂળ પડે તેવા તંત્રની જોગવાઈ કરી છે; SDM/કલેક્ટર/ સેક્રેટરી પાસે જવાનું; કોર્ટ પાસે નહીં ! સરકારી તંત્ર કોની તરફદારી કરે ???? ખેડૂતની કે કોર્પોરેટ કંપનીની ??? ત્રીજા અધ્યાદેશમાં એવી જોગવાઈ છે કે ખાનગી કંપનીઓને ખેડૂતો કૃષિ પેદાશો વેચી શકશે ! જો કે હાલે પણ ખેડૂતોને પોતાની ઉપજ કોને વેચવી તેની સ્વતંત્રતા છે જ ! ઉદાહરણ તરીકે હું મારો કપાસ 1995થી ખાનગી વેપારીને વેચું છું. તે વેપારી લોકલ APMCને સેસ ફી ભરી દે છે. નવી જોગવાઈ મુજબ કોર્પોરેટ કંપનીઓ ખેડૂતો પાસેથી કપાસ/ઘઉં/ચોખા/દાળ/જીરું/શાકભાજી/ફળો વગેરે ખરીદી શકશે. મતલબ એ થયો કે APMCને જે સેસ ફી મળતી હતી તે હવે નહીં મળે.

શું APMC દૂર થઈ જશે ??
શરુઆતમાં ખેડૂતોને વધુ ભાવ મળશે. પરંતુ APMC ભાંગી જશે. પછી કંપનીઓ ખેડૂતોનું શોષણ કરશે. કુરિયર કંપનીઓને મંજૂરી આપી પછી પોસ્ટલ ડીપાર્ટમેન્ટની હાલત કેવી થઈ ?? કોમ્યુનિકેશનમાં રીલાયન્સ આવ્યા બાદ BSNLની હાલત કેવી થઈ ?? APMC જતાં ખેડૂતોની હાલત પણ આવી જ થશે. જો કે APMCમાં ભયંકર ભ્રષ્ટાચાર ઘૂસી ગયો છે; તેને દૂર કરવા કેન્દ્ર સરકારે 2003માં મોડેલ APMC કાનૂન ઘડીને મોકલ્યો છે; તેનો કોઈ રાજ્યોએ અમલ કર્યો નથી. APMC ખેડૂતો માટે ભાંગલી-તૂટલી છત્રી છે; એ હટાવી લેવા કરતા તેને રિપેર કરવાની જરુર છે ! ઊંદરનો ત્રાસ દૂર કરવા રીંછને ન લવાય ! બિહારમાં APMC 2006 માં રદ કરી નાખ્યા ત્યાં APMC નથી; ત્યાં ખેડૂતોનું શોષણ વધુ થાય છે; પંજાબ/હરિયાણામાં APMC બરાબર કામ કરે છે; ત્યાં ખેડૂતોનું શોષણ ઓછું થાય છે. APMCના કારણે ખેડૂતોને આડકતરો ફાયદો થાય છે; માર્કેટમાં ભાવ જળવાય છે.

શું MSP બંધ થઈ જશે ???
MSP એટલે મિનિમમ સપોર્ટ પ્રાઈઝ. સરકાર કહે છે કે MSP દૂર નહી થાય; પરંતુ નોટબંધી/GST લાગુ પાડી ત્યારે કેવા કેવા દાવા કર્યા હતા ! કાળુનાણું/આતંકવાદ/નકલી નોટો વગેરે સરકાર નાથી શકી નથી ! જો MSPની જોગવાઈ સરકાર રાખવા માંગતી હોય તો આ અધ્યાદેશમાં કેમ જોગવાઈ ન કરી ?? MSPને લીગલ રાઈટ કેમ ન બનાવ્યો ??? માત્ર મૌખિક વચન ?? કૃષિ ઉત્પાદન MSP કરતા નીચા ભાવે APMCના વેપારી/ કંપનીના એજન્ટ ખરીદી શકશે નહી. એવી જોગવાઈ કેમ ન કરી ?? સરકાર પાયલોટનું લાઇસન્સ આપે; પરંતુ ખેડૂતો પાસે સાઇકલ ખરીદવાનો વેંત ન હોય તો પાયલટનું લાયસન્સ લઈને તે કરે શું ??
કૃષિક્ષેત્રમાં ખાનગી રોકાણ આવે તો વિરોધ કેમ ??
એનો વિરોધ નથી; પરંતુ ખાનગી રોકાણ લાવવા માટે એવી શરતો મૂકે જેથી કંપનીઓનું હિત સચવાય અને ખેડૂતોનું અહિત થાય ! નવી જોગવાઈઓથી એવું બને કે કૃષિ ઉત્પાદન વધે; પણ ખેડૂતોની આવક/ખુશાલી ઘટે ! શું આ ક્રાંતિકારી પગલું છે ?? ના, બિલકુલ નહીં.
શું કોઈ કિસાન સંગઠને માંગણી કરી હતી ???
કોઈ કિસાન સંગઠન સાથે ચર્ચા કરી હતી ???? ના, કોઈએ માંગણી કરી ન હતી, કોઈની સાથે ચર્ચા કરી ન હતી; ક્રાંતિકારી પગલું હોય તો સંસદમાં ચર્ચા કેમ ન કરી ????? કોરોના મહામારીમાં પ્રચંડ તાકાતથી કામ કરવાની જગ્યાએ ચોર દરવાજેથી અધ્યાદેશ-Bills લાવવાની જરુર કેમ પડી ???? અત્યારે કોરોના કાળ માં જ્યાં 5 ખેડૂત એકઠા ન થાય એવા સમયે બિલ લાવવાની જરૂર કેમ પડી….???? ખેડૂતોની આઝાદી માટે નહીં; અદાણી/અંબાણી/કોર્પોરેટ કંપનીઓની આઝાદી માટે ! માર્ચ-2018 માં હજારો ખેડૂતો છ દિવસ પદયાત્રા કરી નાસિકથી મુંબઈ આવ્યા હતા; 30 નવેમ્બર 2018 ના રોજ દિલ્હીમાં એકત્ર થયા હતા. તેમની માંગણી હતી કે સરકાર કરજ મુક્તિ અને MSP માટે કાનૂની જોગવાઈ કરે ! પણ સરકારે તો જુદું જ કર્યું..
પાઘડીનો વળ છેડે
પ્રધાનમંત્રી પાકવીમા યોજનામાં જેટલો ખેડૂતોને ફાયદો થયો અને જેટલો કંપનીઓને ફાયદો થયો એટલો જ ફાયદો ખેડૂતો અને કંપનીઓને થશે.