દ્વારકાની યુવતીનું ફેક આઈડી બનાવી, સોશિયલ મિડિયામાં બદનામ કરવા સબબ યુવાન સામે ફરિયાદ

દ્વારકામાં રહેતી 20 વર્ષીય એક વિદ્યાર્થીની યુવતીને દ્વારકામાં જલારામ સોસાયટી ખાતે રહેતા અને ગેરેજનો વ્યવસાય કરતા નીતિન કરશનભાઈ સુમણીયા નામના 23 વર્ષીય હિન્દુ વાઘેર યુવાન સાથે પરિચય હોય, બાદમાં ઉપરોક્ત યુવતીને નિતીનનું ચારિત્ર્ય સારું નહીં લાગતા તેણીએ નિતીન સાથે વ્યવહાર તોડી નાખી, અને બોલવાનું બંધ કરી દીધું હતું.
જે બાબતે નિતીનને સારું ન લાગતા યુવતીને બદનામ કરવાના ઈરાદે તેણે યુવતીના નામથી ઇન્સ્ટ્રાગ્રામ પર ફેક આઈડી બનાવી અને ચેટ મેસેન્જરમાં સ્ત્રીસહજ મર્યાદાને શોભે નહીં તેવા ચારિત્ર વિરુધ્ધની બીભત્સ કોમેન્ટ કરી હતી.
આમ, ઈલેક્ટ્રોનિક ડીવાઈસમાં ઈન્ટરનેટ મારફતે યુવતીના ફેક આઈડી બનાવીને બદનામ કર્યાની ધોરણસર ફરિયાદ યુવતીએ દ્વારકા પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે નિતીન સુમણીયા સામે આઈ.પી.સી. કલમ 500 તથા આઈ.ટી. એક્ટની વિવિધ કલમ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી દ્વારકાના પી.આઈ. પી.બી. ગઢવી દ્વારા હાથ ધરવામાં આવી હતી.