ગૃહ રાજ્યમંત્રીની અધ્યક્ષતામાં મહાત્મા ગાંધી જન્મજયંતિની ઉત્સાહપૂર્વક ઉજવણી

વ્યસનમુક્ત અને સ્વચ્છ-સ્વસ્થ સમાજના
નિર્માણયજ્ઞમાં જોડાવા હાકલ કરતા જિલ્લા પ્રભારીમંત્રીશ્રી
જિલ્લાની ૧૯૨ આંગણવાડીઓ પર ૧૯,૨૦૦ બહેનોએ એકસાથે હેન્ડવોશ કરી સ્વચ્છતા સંકલ્પ લીધો. શ્રેષ્ઠ કામગીરી કરનાર તેડાગર અને આંગણવાડી કાર્યકર બહેનોનું માતા યશોદા એવોર્ડથી સન્માન કરાયું ૧૦ લાભાર્થીઓને વન અધિકારપત્રોનું વિતરણ
પંચમહાલ જિલ્લામાં ગૃહરાજ્યમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં મહાત્માગાંધીજીની ૧૫૧મી જન્મજયંતિની ઉજવણી ભારે ઉત્સાહપૂર્વક યોજાઈ હતી. પૂ્જ્ય બાપુની જન્મજયંતિ નિમિત્તે જિલ્લામાં યોજાયેલ શ્રેણીબદ્ધ કાર્યક્રમોમાં સૌ પ્રથમ જિલ્લા પ્રભારી મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા સહિતના મહાનુભાવોએ ગોધરાના ગાંધી ચોક ખાતે પૂજ્ય બાપુની પ્રતિમાને સૂતરની આંટી અર્પણ કરી હતી. આ પ્રસંગે ગૃહરાજ્ય મંત્રીશ્રીએ ગાંધી ચોક ખાતેથી નશાબંધી રથને પ્રસ્થાન કરાવી જિલ્લામાં નશાબંધી સપ્તાહનો તેમજ વન્યપ્રાણી રથને લીલીઝંડી બતાવી વન્યપ્રાણી સપ્તાહનો શુભારંભ પણ કરાવ્યો હતો.
ગોધરાના સરદારનગર ખંડમાં યોજાયેલ કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી પોતાના સંબોધનમાં સરકાર દ્વારા કોવિડ-૧૯ મહામારીને નિયંત્રણ હેઠળ રાખવા કરાયેલ અસરકારક કામગીરીની રૂપરેખા આપતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે કોવિડ કટોકટીના સમયમાં માસ્ક, સોશિયલ ડિસન્ટન્સિંગ સહિતના બચાવના પગલાઓ આપણી જીવનશૈલીમાં વણી લેવા જરૂરી બન્યા છે ત્યારે હેન્ડવોશ કેમ્પેઈન સામાન્યજનને સમયાંતરે હાથ સેનેટાઈઝ કરવાના મહત્વ અંગે જાગરૂક કરવામાં અને એ રીતે તેમને સુરક્ષિત રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. કોરોના કટોકટી સામે રાજ્યવાસીઓને સુરક્ષિત રાખવા લોક ડાઉન અને અનલોકના તબક્કાઓ દરમિયાન પ્રશાસન અને પોલિસ દ્વારા કરાયેલ કામગીરીનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે અસરકારક પગલાઓના પગલે રાજ્યમાં હાલમાં કોરોનાના કારણે થતા મૃ્ત્યુનો દર ૩ ટકાથી પણ ઓછો થયો છે તેમજ પોઝિટીવ દર્દીઓ મળી આવવાના દરમાં પણ નોંધપાત્ર ઘટાડો તેમજ ડિસ્ચાર્જ રેટમાં વધારો શક્ય બન્યો છે.
જો કે જ્યાં સુધી કોરોનાની વેક્સિન કે અસરકારક દવા ન શોધાય ત્યાં સુધી બચાવના પગલાઓનું ચુસ્ત પાલન જ કોવિડ-૧૯ સામે સૌથી કારગર ઉપાય હોવાથી તેમણે જિલ્લાવાસીઓને સરકાર દ્વારા જાહેર કરાયેલ માર્ગદર્શિકાનું ચુસ્ત પાલન કરવા આગ્રહ કર્યો હતો. બાપુના સ્વચ્છતા માટેના આગ્રહને ટાંકતા ગૃહરાજ્યમંત્રીશ્રીએ જિલ્લાવાસીઓને હેન્ડવોશ અભિયાનને આગળ વધારી સ્વચ્છતા અંગેની જાગૃતિ જિલ્લાના દરેક વર્ગના માનવી સુધી પહોંચે તે દિશામાં સંકલિત પ્રયાસો કરવા જણાવ્યું હતું.
નશાબંધી અને વ્યસનમુક્ત સમાજના નિર્માણ અંગે પૂજ્ય બાપૂના વિચારોને યાદ કરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ગાંધીજીના સ્વપ્ન અનુસાર ગુજરાતને દારૂની બદીથી મુક્ત રાખવા સરકાર કૃતનિશ્ચયી છે તેમજ તમામ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરીને, વેરાની આવક જતી કરીને પણ સરકાર રાજ્યમાં નશાબંધીનો ચુસ્ત અમલ સુનિશ્ચિત કરશે. તેમણે નશાને અનેક ઘર-પરિવારોની આર્થિક પાયમાલી, સામાજિક-માનસિક સમસ્યાઓ, આત્મહત્યા માટે જવાબદાર પરિબળ ગણાવી રાજયમાં નશાબંધીને લગતી કડક કાર્યવાહી યથાવત રહેશે તેમ જણાવ્યું હતું.
કાર્યક્રમના અધ્યક્ષ ગૃહરાજ્યમંત્રીશ્રીના હસ્તે આંગણવાડી કાર્યકર નિરૂપાબેન મહેન્દ્રસિંહ બારિયાને શ્રેષ્ઠ કામગીરી બદલ જિલ્લા કક્ષાનો માતા યશોદા એવોર્ડ, રૂ. ૩૧,૦૦૦/- રોકડ પુરસ્કારનો ચેક, સ્મૃતિચિહન્ આપવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ૧૦ લાભાર્થીઓને વન અધિકાર કાયદા અંતર્ગત જમીનના અધિકારપત્રોનું મંત્રીશ્રી સહિતના મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, ૧૦૦ ટકા નળ કનેક્ટિવિટી ધરાવતા ૧૦ ગામોના સરપંચોને સુંદર કામગીરી બદલ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી રાજપાલસિંહ જાદવ,
પંચમહાલ જિલ્લા સાંસદશ્રી રતનસિંહ રાઠોડ, ગોધરાના ધારાસભ્યશ્રી સી.કે.રાઉલજી, કાલોલના ધારાસભ્યસુશ્રી સુમનબેન ચૌહાણ, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી અશ્વિનભાઈ પટેલ સહિતના પદાધિકારીઓ-અગ્રણીઓ તેમજ જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એ.જે.શાહ, જિલ્લાના પોલિસ વડા ડો. લીના પાટિલ સહિતના અધિકારીગણ ઉપસ્થિત રહી સહભાગી થયા હતા.
This article is personal view of our viewer, we’re not confirmed any details personally, let us know if you know anything more about this