દ્વારકા: ચરકલા ખાતેથી ઓખામંડળ તાલુકાના ૩૮ ગામોમાં કિસાન સુર્યોદય યોજનાનો પ્રારંભ….

દરેક ગામમાં દિવસે વિજળી મળે તેવી સરકારની નેમ છે. જિલ્લા પ્રભારી મંત્રીશ્રી જવાહરભાઇ ચાવડા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળ તાલુકાના ૩૮ ગામોમાં કિસાન સુર્યોદય યોજનાનું આજે ચરકલા ખાતેથી દેવભૂમિ દ્વારકા જિલ્લા પ્રભારી તથા પ્રવાસન મંત્રીશ્રી જવાહરભાઇ ચાવડાએ ઇ-લોકાર્પણ કરી જણાવ્યું હતું કે, દરેક ગામમાં દિવસે વિજળી મળે તેવી સરકારની નેમ છે. ખેડુતો દ્વારા છેલ્લા કેટલાય સમયથી દિવસે પાવર આપવાની રજુઆત ધ્યાને લઇ કિસાન સુર્યોદય યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ખેડુતોને હવે દિવસે વિજળી મળતા રાતના ઉજાગારા, વન્ય જીવજંતુના ભય કડકડતી ઠંડી અને ચોમાસામાં પડતી મુશ્કેલીઓથી કાયમ માટે મુક્તિ મળશે.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે સરકારશ્રીના તમામ નિર્ણયો ખેડુતોના હિતમાં હોય છે આ વર્ષે ખેડુતોને પ્રિમિયમની રકમ ભરવામાંથી પણ મુક્તિ આપી છે તેમજ ૦ ટકા વ્યાજે ખેડુતોને સરકાર લોન આપે છે. રાજય સરકાર ખેડુતોની આવક બમણી થાય તેવા પ્રયાસો સતત કરતી રહે છે.

કાર્યક્રમના પ્રારંભે દ્વારકા ભાજપ ઉપપ્રમુખ શ્રી ખેરાજભા કેરએ સ્વાગત પ્રવચન કર્યું હતું. આભારવિધિ પીજીવીસીએલના નાયબ ઇજનેરશ્રી વિસાણીએ કરી હતી. ભાજપના શ્રી સહદેવસિંહ માણેકે પ્રાસંગિક ઉદબોધન આપ્યું હતું.
આ કાર્યક્રમમાં દ્વારકા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી લુણાભા સુમણીયા, ઓખા નગરપાલિકા પ્રમુખ શ્રી ચેતનભા માણેક, કલ્યાણપુર તાલુકા પંચાયત પ્રમુખ શ્રી પીઠાભાઇ વારોતરીયા, ભાજપ અગ્રણીશ્રી વરજાંગભા માણેક, ખેરાજભાઇ ઓડીચ, હિમતભા માણેક, ચરકલા ગ્રામ પંચાયતના સરપંચ સહિત આજુબાજુના ગામના સરપંચશ્રીઓ, પીજીવીસીએલ, જેટકો તેમજ લગત વિભાગના અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા