મુંબઈમાં ભારે વરસાદને કારણે ફરી ચોતરફ પાણી… પાણી…

રસ્તાઓ બન્યા દરિયો, કલાકો સુધી ફસાયા લોકો: ઝવેરીબજાની દુકાનોમાં પાણી ઘુસતા વેપારીઓને નુકસાની: ટ્રેન અને બસ સેવાને અસર: લોકોને બહાર નહીં નીકળવા અનુરોધ
મુંબઈમાં ગઈ મોડી રાતથી જોરદાર વરસાદ થવાને કારણે અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા. રસ્તાઓમાં પાણી ભરાઈ જવાને કારણે દરિયો બની ગયા હતા અને અનેક કલાકો સુધી વાહનચાલકો ફસાઈ ગયા હતા. પોલીસે સ્થાનિકોની મદદથી રસ્તાઓ પર ફસાયેલાં વાહનચાલકોને સુરક્ષિત સ્થાન પર પહોંચાડ્યા હતા. તો ભારે વરસાદને કારણે મુંબઈના સાયન રેલ્વે સ્ટેશન પર પાણી ભરાઈ ગયા હતા. મોડી રાત સુધી યાત્રીઓ ટિન શેડની નીચે છુપાઈ ગયા હતા. તો પાટાઓ ઉપર પણ પાણી ભરાવાને કારણે અનેક કલાકો સુધી ટ્રેનની રાહ જોવી પડી હતી. બસ અને રેલ સેવાઓને તાત્કાલિક અસરથી રોકી દેવામાં આવી છે. ભારે વરસાદના કારણે અનેક ટ્રેનો રદ કરવી પડી, આ કારણે અનેક લોકો સ્ટેશન પર કલાકો સુધી ફસાયેલા રહ્યા. હવામાન વિભાગે કહ્યું છે કે આજે પણ મુંબઈમાં ભારે વરસાદ પડી શકે છે. વિભાગે વાદળો છવાયેલા રહેવાની તથા ભારે વરસાદની આગાહી કરી છે. દરમિયાન મુંબઇના ઝવેરીબજારમાં 80 વર્ષમાં બીજી વખત પાણી ધૂસ્યા છે અને અનેક દુકાનોમાં નુકસાની થઇ છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આજે પણ મુંબઈમાં ભારે વરસાદ વરસી શકે છે. ગઈ રાત્રે થયેલા ભારે વરસાદને કારણે લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે લોકો ઘરની બહાર નીકળી શક્યા ન હતા. તો અંધેરી સબ વે પણ જળમગ્ન થઈ ગયું હતું. જેને કારણે તેને બંધ કરી દેવાનો વારો આવ્યો હતો. આગામી 24 કલાકમાં મૂશળધાર વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
મહારાષ્ટ્રમાં મુંબઈના ગોરેગાંવમાં પણ ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. સાથે જ રેલના પાટાઓ અને રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. અને લોકલ ટ્રેન તેમજ બસ સેવાઓ પણ બંધ કરી દેવામાં આવી હતી. મુંબઈમાં સાયન રેલ્વે સ્ટેશન પર લોકો ફસાઈ ગયા હતા. પ્લેટફોર્મ સુધી પાણી આવી જતાં મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.