
આજકાલ પોતાનો અવાજ ઉઠાવવા અને કોઈ પણ વાત લોકો સુધી સહેલાઈથી પંહોચાડવા માટેનો સૌથી સરળ રસ્તો છે સોશિયલ મીડિયા પ્લેટફોર્મસ. લોકો સહેલાઈથી અહીંયા પોતાની વાત જનતા સમક્ષ રાખી શકે છે. પણ ઘણા લોકો આનો ગેરફાયદો ઉઠાવતા હોય છે.
લોકો સુધી ખોટી માહિતી અને સરકાર સમક્ષ ભડકાવનાર પોસ્ટ મૂકી અને ગુમરાહ કરવાનું કામ કરતા હોય છે. આ બધી એક્ટિવિટી રોકવા માટે ગુજરાત સરકારે ‘પાસા’ એક્ટમાં વ્યાખ્યા બદલી છે. નવી વ્યાખ્યા અનુસાર સોશિયલ મીડિયામાં પોસ્ટ સામે જો સરકારને કોઈ પણ વાંધો પડશે તો પોલીસને એ પોસ્ટ રજૂ કરનાર નાગરિકને સમાજ માટે ભયજનક ગણાવી અને પાસા હેઠળ જેલ ભેગા કરી શકશે.
સોશિયલ મીડિયામાં સરકાર સામે યુવાનો દ્વારા ઉઠાવાતા અવાજ, નિર્ણયો સામે અસહમતીનો પ્રવાહ અટક્યો નથી.મુખ્યમંત્રીના અધ્યક્ષપદે બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં વર્ષ ૧૯૯૫ના ધ ગુજરાત પ્રિવેન્શન ઓફ એન્ટિ સોશિયલ એક્ટિવિટી એક્ટ- પાસા હેઠળ ભયજનક વ્યક્તિની વ્યાખ્યાને સુધારવામાં આવી છે.
સરકાર દ્વારા જે નવું પાસું બહાર પાડવામાં આવ્યું છે તેમાં ડેબિટ, ક્રેડિટ કાર્ડ સહિત બેંક એકાઉન્ટમાંથી સીધા પૈસા ઉપાડી લેવાના ફ્રોડ જેવા સાઈબર ક્રાઈમ હેઠળના આરોપીઓ,તદ્ઉપરાંત જુગારના અડ્ડા ચલાવનારા, જાતીય ગુનાઓ અને વ્યાજખોરોની ધમકીઓથી લઈને સોશિયલ મીડિયામાં સમાજ- સમાજ વચ્ચે લડાઈ થાય, વ્યક્તિગત- સંસ્થાગત રીતે કોઈની ઈમેજ ખરાબ કરવા પોસ્ટ મૂકનારાઓને પણ સમાજ માટે ભયજનક માનીને તેમની સામે સખત કાર્યવાહી કરવામાં આવશે.