દેવભૂમિ દ્વારકા

દેવભૂમિ દ્વારકા જિલ્‍લામાં સાત પગલા ખેડુત કલ્‍યાણના અંતગર્ત લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

મુખ્‍યમંત્રી દ્રારા આ યોજના અંતર્ગત વધુ બે પગલાઓનું ઇ-લોકાર્પણ

દેવભૂમિ દ્વારકા જિલ્‍લાના મુખ્ય મથક ખંભાળિયામાં આવેલા માર્કેટીંગ યાર્ડ ખાતે “સાત પગલા ખેડુત કલ્‍યાણનાં” અંતર્ગત દેશીગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી, દેશી ગાય નિભાવ ખર્ચ સહાય યોજના તથા પ્રાકૃતિક કૃષિ પધ્‍ધતિ જીવામૃત બનાવવા કીટ સહાય યોજનાનો લોકાપર્ણ કાર્યક્રમ ગ્રામગૃહ નિર્માણ બોર્ડના ચેરમેન મુળુભાઇ બેરાના અધ્‍યક્ષ સ્‍થાને યોજાયો હતો.

આ કાર્યક્રમમાં ઉપસ્થિતોનું શાબ્‍દિક સ્‍વાગત અને યોજનાકીય જાણકારી જિલ્‍લા ખેતીવાડી અધિકારી એ.બી.કમાણીએ આપી, કાર્યક્રમની શરૂઆત દિપ પ્રાગટયથી કરવામાં આવી હતી.ગ્રામ-ગૃહ નિમાર્ણ બોર્ડના ચેરમેન મુળુભાઇ બેરાએ જણાવ્‍યું હતુ કે, આજનો દિવસ ખૂબજ મહત્‍વનો છે દુનિયામાં જેણે દેશનું ગૌરવ વધાર્યું છે એવા વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીનો  ગઈકાલે જન્‍મ દિવસ હોવાનું જણાવી, જેઓ રાષ્‍ટ્રના સર્વાંગી વિકાસમાં પોતાનો મહત્‍વનો ફાળો આપી રહયા છે. જગતના તાત પ્રત્યે તેઓને ખૂબજ માન અને ગર્વ છે.

ખેડુતો ગમે તેવી વિષમ પરિસ્‍થિતિમાં કોરોનાની મહામારી, લોકડાઉન હોવા છતા હંમેશા લોકકલ્‍યાણને જ મહત્‍વ આપી કાર્યરત રહે છે. જયારે બધાના નોકરી-ધંધા બંધ હતા. રોડ, રસ્‍તા, ટ્રાન્‍સપોર્ટશન બંધ હતા છતા આપણા ખેડુતોએ પોતાના દેહની પરવા કર્યા વગર જ સમગ્ર રાજય, દેશના, જિલ્‍લાના લોકોની શાકભાજી અને ફળફ્રુટની માંગને પુરી કરી હતી. દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી જેમા ખેડુત કુટુંબ દિઠ એક ગાયનાં નિભાવ ખર્ચ અર્થે રૂ. 900/- પ્રતિમાસ સહાયની રકમ પ્રમાણે ત્રિમાસિક રૂ.2,700/- લેખે ખેડુતોના બેંક એકાઉન્‍ટમાં સીધા જમા થશે. કુલ 1,05,000 લાખ લાભાર્થી ખેડુતો માટે સરકાર દ્વારા બજેટમાં રૂ. 66.50 કરોડની જોગવાઇ કરાઈ છે.

પ્રાકૃતિક કૃષિ પધ્‍ધતિ દ્વારા જીવામૃત બનાવવા માટે લાભાર્થીઓને કૃષિ કીટમાં 75 ટકા સહાયની યોજના અંતર્ગત દેશી ગાયના છાણ-ગૌમુત્રમાંથી જીવામૃત બનાવવા માટે પ્રાકૃતિક કૃષિ કીટ માટે રૂ. 1,248/- પ્રતિ કીટ સહાય આપવામાં આવશે. જેમાં 210 લીટરના ઢાંકણ વગરનું એક નંગ ડ્રમ, દસ લીટરના પ્‍લાસ્‍ટિકના બે નંગ ટબ અને દસ લીટર પ્‍લાસ્‍ટિકની એક ડોલનો સમાવેશ થાય છે. કુલ એક લાખ લાભાર્થી ખેડુતો માટે સરકાર દ્વારા બજેટના કુલ રૂ.13.50 કરોડની જોગવાઇ કરી છે. ખેડુત ચીલાચાલુ ખેતીની પધ્‍ધતિમાંથી બહાર આવે, ખેડુતો પ્રાકૃતિક ખેતી કરતા થાય, વૈજ્ઞાનિક ઢબે ખેતી કરતાં થાય તો ઉત્‍પાદન પણ ખૂબ વધુ થાય છે. દેવભૂમિ દ્વારકા જિલ્‍લામાં વધુ વરસાદ થવાથી જમીનનું ધોવાણ થયું છે અને પાકને નુકશાન થયું છે. રાજય સરકાર દરેક જિલ્‍લામાં તેનું મોનીટરીંગ કરી રહી છે. અને માર્ગદર્શન આપતા રહયા છે. સરકાર સર્વે ખેડુતો માટે હમેશાં સંવેદનશીલ રહી છે. ખેડુતોનુ ભલુ થાય, ખેડુતો આર્થિક અને સામાજિક રીતે સધ્‍ધર બને તેવા પ્રયત્‍નો કરતી આવી છે.

જિલ્‍લા વિકાસ અધિકારી ડી.જે.જાડેજાએ સાત પગલા ખેડુત કલ્‍યાણના અંતર્ગત પ્રાકૃતિક કૃષિની બે યોજનાઓ જેમાં ખેડુતોને સંપૂર્ણ દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડુત કુટુંબને એક દેશી ગાય માટે નિભાવ ખર્ચમા સહાય આપવાની યોજના અને પ્રાકૃતિક કૃષિ, પધ્‍ધતિ દ્વારા જીવામૃત બનાવવા સારૂ લાભાર્થીઓને નિદર્શન કીટમાં 75 ટકા સહાયની યોજનાનો લાભ લેવા જણાવ્‍યું હતું. આ પ્રસંગે મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીને ગુજરાતની જનતા વતી જન્‍મ દિવસની શુભેચ્‍છા પાઠવી હતી. અને કહયું હતું કે, ગાયને આપણાં શાસ્‍ત્રમાં કામધેનું કહે છે.

અગાઉ કેમીકલયુકત રાસાયણિક ખેતીથી જમીન બંજર બની જતી હતી અને લોકોના સ્‍વાસ્‍થય ઉપર પણ જોખમ રહેતુ હતું. ત્‍યારે લોકો સ્‍વસ્‍થ બને અને દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળે તો વાસ્‍તવમાં ખેડુતો જગતના તાત બની સારૂ ખાતર, સારૂ બીજ મેળવી પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્‍પાદન કરી, લોકોને તંદુરસ્‍ત બનાવવામાં ખેડુતોનું યોગદાન રહેશે આગામી દિવસોમાં ખેડુતોનો વિકાસ, ખેતીનો વિકાસ અને રાજયના ઉતમથી સર્વોતમ તરફથી ગતિ તરફ ગુજરાત આગળ વધશે.આ પ્રસંગે રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ ખેડુતોને જણાવ્‍યું હતુ કે, દેશના ખેડુતોની આવક બમણી કરવા માટે પ્રાકુતિક ખેતી તરફ ખેડુતોએ વધુ ધ્‍યાન આપવું જોઇએ ભૂતકાળમાં કૃત્રિમ ખાતર, કીટ નાશકોના દુષ્‍પરિણામ આપણે ભોગવી રહયા છીએ. રાસાયણીક ખેતીને કારણે ઉત્‍પાદન ઓછુ થઇ રહયું છે.

જમીનની ફળદ્રુપતા ઘટી છે અને જમીન રસાયણયુકત બની છે. આવા ઉત્‍પાદનના સેવનથી લોકોનું સ્‍વાસ્‍થય જોખમાયું છે. તો પ્રાકૃતિક ખેતીથી ખેડુતો ખેતી કરશે તો આ ખેતી થકી ખેડુતની લાગત પણ શૂન્‍ય રહે છે. અને ઉત્‍પાદનમાં પણ વધારો જોવા મળ્યો છે. રાજયમાં 22 હજાર માસ્‍ટર ટેનર્સ દ્વારા 1.27 લાખ જેટલા ખેડુતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવામાં આવી છે. જેમાંથી હાલની ખરીફ રૂતુમાં એક લાખથી વધુ ખેડુતોએ પ્રાકૃતિક ખેતી કરી છે.

આ સાથે જ રાજયપાલએ ઉમેર્યું હતુ કે, પ્રાકૃતિક ખેતી માટે ગાય ખેડુતના ઘરમાં છે. તો તેના દુધ દ્વારા બાળકોની રોગપ્રતિકારક શકિત વધશે અને તેના છાણ અને ગૌમુત્ર દ્વારા ખેડુતોની ખેતી વધુ સંપન્‍ન થશે. આ કાર્યક્રમમાં માર્કેટીંગ યાર્ડનાં ચેરમેન અને જિલ્‍લા પંચાયત પ્રમુખ પી.એસ.જાડેજા, કલેકટર ડો. નરેન્‍દ્રકુમાર મીના, તાલુકા પંચાયતના પ્રમુખ, જિલ્‍લા પંચાયતનાં સદસ્‍ય મયુરભાઇ ગઢવી, મશરીભાઇ નંદાણીયા, મોટી સંખ્‍યામાં ખેડુતો તથા કચેરીના અધિકારીઓ ઉપસ્‍થિત રહયા હતા.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

seventeen + 19 =

Back to top button
Close