ગુજરાત

સાવચેતીને સંગ જીતીશુ જંગ જુનાગઢથી સૌરાષ્ટ્ર ઝોન રથનું પ્રસ્થાન

ગાંધીનગરથી વિજયભાઇ રૂપાણીના હસ્તે ડિઝીટલ ફલેગ ઓફ: જુદા-જુદા વિસ્તારોમાં કોરોના સામે જનજાગૃતિ માટે નવતર અભિગમ

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના પ્રાદેશિક લોકસંપર્ક બ્યુરો, યુનિસેફ અને પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો દ્વારા ગુજરાતમાં કોવિડ વિજયરથ જનજાગૃતિ અભિયાનની શરુઆત થવા જઇ રહી છે. આ અભિયાન હેઠળ રાજયના પાંચ જુદા જુદા ઝોનમાં જુનાગઢ, ભૂજ, અમદાવાદ, પાલનપૂર અને સુરતથી કોવિડ વિજય રથનું પ્રસ્થાન થશે. કોવિડ-૧૯ની પરિસ્થિતિને ધ્યાને રાખી સોશ્યલ ડિસટન્સનું પાલન થાય તે હેતુને લઇને નવતર અભિગમ અપનાવી સમગ્ર રાજયના જુદાજુદા વિસ્તારોમાં પરિભ્રમણ કરનાર આ રથને આજે ડીજીટલ- સોશ્યલ મિડીયાના માધ્યમથી રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી ડીજીટલ ફ્લેગઓફ કરી પ્રસ્થાન કરાવ્યુ હતુ.

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયનાં ગુજરાત વિભાગના વડા, પીઆઇબી અને આરઓબીના એડિશનલ ડાયરેકટર જનરલ ડો. ધીરજ કાકડીયાએ જણાવ્યું કે કેન્દ્ર સરકારના સમયસૂચકતા સાથેના અસરકારક નિર્ણયો અને રાજય સરકાર દ્વારા આ નિર્ણયોને પગલે કરેલ ત્વરિત કામગીરીને કારણે કોવિડની ભીષણ અસરથી દેશને અને રાજયને બચાવવામાં મહદ અંશે સફળતા મળી હોવાના સંકેતો મળે છે. કોવિડ સામેની લડાઇના આ નિર્ણાયક તબક્કામાં લોકોનો આત્મવિશ્વાસ વધુ બુલંદ થાય અને સાવચેતી રાખવામાં હજુ વધુ જાગૃતિ કેળવાય તેવા ઇરાદાથી આ અભિયાન શરુ કરાયું છે. કોવિડ-૧૯ સામેની લડાઇમાં ધારદાર શસ્ત્ર તરીકે સામાજીક અંતર અને માસ્ક પહેરવું ફરજિયાત ગણાવાય છે. આ સંદેશાઓ લોકો સુધી પહોંચાડવા કરાયેલા આયોજનને ડીજીટલ માધ્યમથી લોન્ચ કરાવવામાં આવનાર છે.

રાજયના પાંચ ઝોનમાં આવેલી વિભાગની ઝોનલ કચેરીના શહેરો જુનાગઢ, ભૂજ, અમદાવાદ, પાલનપૂર અને સુરતમાંથી સ્થાનિક પ્રશાસનના અધિકારીશ્રીઓ અને પદાધીકારીશ્રીઓની ઉપસ્થિતિમાં આ રથનું પ્રસ્થાન ગાંધીનગરથી સીએમ કાર્યાલયમા ઉપસ્થિત રહીને રાજયના મુખ્યમંત્રીશ્રીના હસ્તે ઇ-ફલેગઓફ દ્વારા કરવામા આવ્યુ હતુ. મુખ્યમંત્રીશ્રી દ્વારા પ્રાસંગીક ઉદબોધન અને ઇ-ફ્લેગઓફ સાથે જ પાંચ શહેરમાં હાજર વિશેષ મહાનુભાવો પણ લીલી ઝંડી આપી આ રથનું પ્રસ્થાન કરાવ્યુ હતુ. આવનાર ૪૪ દિવસ સુધી આ રથ રાજયના તમામ જિલ્લાના કોવિડ અસરગ્રસ્ત વિસ્તારોમાં ફરશે. રથની સાથે સાથે કલાકારો સામાજીક અંતર જાળવી કલાના માધ્યમ દ્વારા પણ લોકોમાં જાગૃતતા સંદેશને ફેલાવશે. અભિયાનમાં પ્રચાર-પ્રસારના તમામ માધ્યમોનો ઉપયોગ કરવાની સાથે પ્રિન્ટ તેમજ ઇલેકટ્રોનીક મીડિયા તેમજ સોશિયલ મીડિયા દ્વારા પણ વધુને વધુ લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કરવામાં આવશે.

સૌરાષ્ટ્ર ઝોનના રથનું પ્રસ્થાન જૂનાગઢ ખાતેથી થયુ હતુ. જુનાગઢ કલેકટર કચેરી ખાતે રથ પ્રસ્થાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કોવિડ-૧૯ પરિસ્થિતિને ધ્યાને રાખી જૂનાગઢના સાંસદશ્રી, સ્થાનિક પદાધિકારીશ્રીઓ તેમજ પ્રશાસનના ઉચ્ચ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

five × two =

Back to top button
Close