ઉત્તર કોરિયાનું શક્તિ પ્રદર્શન: લશ્કરી પરેડમાં નવી બેલેસ્ટીક મિસાઈલનું પ્રદર્શન કર્યું

તે 12 હજાર કિ.મી.થી વધુ અંતરે નિશાન લગાવી શકે છે
ઉત્તર કોરિયાએ સત્તારૂઢ પક્ષના 75મા સ્થાપના દિવસની ઉજવણી કરી હતી. ત્યારે લશ્કરી પરેડમાં દેશની નવી ઈન્ટર કોન્ટિનેન્ટલ બેલેસ્ટીક મિસાઈલ પ્રદર્શિત કરવામાં આવી હતી. હથિયારોથી સજ્જ ગાડીઓનો એક વિશાળ કાફલો પણ નિકળ્યો હતો.
નવી બેલેસ્ટીક મિસાઈલને ટ્રાન્સપોર્ટર ઈરેક્ટર લોન્ચર મારફતે પરેડમાં રજૂ કરવામાં આવી હતી. આ નવી મિસાઈલ ઉત્તર કોરિયા પાસે અગાઉથી રહેલી હૃાસોંગ-15 મિસાઈલથી પણ લાંબી છે. હૃાસોંગ મિસાઈલ 12874 કિ.મી. સુધી પ્રહાર કરવાની ક્ષમતા ધરાવે છે. તે અમેરિકાના કોઈ પણ વિસ્તારને લક્ષ્યાંક બનાવી શકવા માટે સક્ષમ છે.

ઉત્તર કોરિયામાં 2018 બાદ પહેલી વખત મિલિટ્રી પરેડ કાઢવામાં આવી હતી. ઉત્તર કોરિયાએ સબમરીન-લોંચ બેલેસ્ટીક મિસાઈલ પણ રજૂ કરી. તેનું નામ પુકુગસોંગ-4 છે. તે દેશમાં અગાઉ તૈયાર કરવામાં આવેલી અન્ય મિસાઈલની તુલનામાં વધારે અંતર સુધી પ્રહાર કરી શકે છે. પરેડમાં ઉત્તર કોરિયાએ રશિયામાં તૈયાર કરવામાં આવેલી શોર્ટ રેન્જ મિસાઈલ ઈસ્કેન્ડર અને અનેક રોકેડ લોંચર પણ પ્રદર્શિત કર્યા.
તાનાશાહ કિમ જોંગે લશ્કરી પરેડને સંબોધિત કરતા કહ્યું કે, “અમે કોઈ પણ યુદ્ધથી બચવા માટે આપણી શક્તિને વધારવાનું ચાલુ રાખશું. આ હથિયાર સંપૂર્ણપણે આપણી સુરક્ષા માટે છે. આપણે તેનો ક્યારેય ખોટો કે બિનજરૂરી રીતે ઉપયોગ કરી શકતા નથી. જો કોઈ સેના અમારી ઉપર શક્તિ દેખાડવાનો પ્રયત્ન કરશે તો અમે ચોક્કસ તેમને સજા આપશું. અમે તેની સામે પૂરી શક્તિ સાથે હુમલો કરશું.”