દિલ્હી: 170 કિલો ગાંજો પકડ્યો દેખાડ્યો માત્ર 920 ગ્રામ બાકીનો ક્યાં ગયો..

- દિલ્હી પોલીસે બધાને સસ્પેન્ડ કર્યા
નવી દિલ્હી તા.26 સપ્ટેંબર 2020 શનિવાર પાટનગર નવી દિલ્હીના જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહેલા એક કોન્સ્ટેબલે એક ડ્રગ પેડલર પાસેથી 170 કિલોગ્રામ જેટલો ગાંજો કબજે કર્યો હતો. પરંતુ રિપોર્ટમાં માત્ર 920 ગ્રામ ગાંજો પકડ્યો હોવાનું દેખાડીને બાકીનો ગાંજો પોતાના સાથીઓ જોડે વેચીને લાખો રૂપિયા કમાઇ લીધા હતા.

આ કૌભાંડ ખુલી જતાં દિલ્હી પોલીસના વરિષ્ઠ અધિકારીઓએ બે આસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર, એક કોન્સ્ટેબલ અને એક સિપાહીને સસ્પેન્ડ કરી દીધા હતા.
દિલ્હી જિલ્લા પોલીસના એસીપી વિજયંતા આર્યાએ મિડિયા સાથે વાત કરતાં કહ્યું કે સપ્ટેંબરની 11મીએ જહાંગીરપુરી પોલીસ સ્ટેશનના એક કોન્સ્ટેબલે અનિલ નામના પેડલરને પકડીને તેના ઘરમાંથી 170 કિલો ગાંજો પકડ્યો હતો. આ ગાંજાની કિંમત લાખો રૂપિયા હતી.

- કોન્સ્ટેબલે ઘટનાના રિપોર્ટમાં માત્ર 920 ગ્રામ ગાંજો મળ્યો હોવાનું નોંધ્યું
આ કોન્સ્ટેબલે ઘટનાના રિપોર્ટમાં માત્ર 920 ગ્રામ ગાંજો મળ્યો હોવાનું નોંધ્યું હતું. એટલે અનિલને સહેલાઇથી જામીન મળી ગયા હતા. બીજી બાજુ કોન્સ્ટેબલે પોતાના સાથીઓની મદદથી આ ગાંજો વેચીને લાખો રૂપિયા કમાઇ લીધા હતા. પરંતુ આ વાત ટોચના પોલીસ અધિકારીઓ સુધી પહોંચી જતાં જવાબદારો સામે તરત પગલાં લેવાયાં હતાં.
હવે પેડલર અનિલની તપાસ થઇ રહી હતી. અનિલ મળે તો જવાબદારો સામે કાનૂની પગલાં લઇ શકાય. એ સિવાય કોર્ટમાં પુરવાર કરવાનું મુશ્કેલ થઇ પડે.