કોરોના ને મ્હાત: હવે ભારત માં આવશે વેક્સીન: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષવર્ધને

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષવર્ધને કોરોના વાઈરસ અંગે માહિતી આપતા કહ્યું કે અમારો લક્ષ્યાંક જુલાઈ 2021 સુધી 40-50 કરોડ વેક્સીન મેળવવાનો છે અને તેને 25 કરોડ લોકો માટે ઉપયોગ કરવાનો છે. અમારી સરકાર આ માટે રાત-દિવસ કામ કરી રહી છે, સરકાર આ વેક્સીન તૈયાર થયા બાદ યોગ્ય રીતે વિતરણ થાય તે માટે કામ કરી રહી છે. અમારી પ્રાથમિકતા છે કે દેશના તમામ લોકો સુધી વેક્સીન પહોંચે. ડો.હર્ષવર્ધને કહ્યું કે વેક્સીન ખરીદવાનું કામ કેન્દ્ર સરકાર કરશે. વેક્સીનની દરેક કન્સાઈનમેન્ટ પર રિયલ ટાઈમ નજર રાખવામાં આવશે. રસીકરણ માટે ફ્રન્ટલાઈન હેલ્થ વર્કર્સને પ્રાથમિકતા આપવામાં આવશે. કેન્દ્ર શાસિત પ્રદેશો તથા રાજ્યોને કહેવામાં આવ્યુ છે કે તેઓ એવા લોકોની માહિતી મોકલે કે જેને રસી માટે પ્રાથમિકતા આપવામાં આવવી જોઈએ.
દેશમાં વેક્સીનની તૈયારી કરનારી કંપનીઓની કેન્દ્ર સરકાર સંપૂર્ણપણે મદદ કરી રહી છે. ડો.હર્ષવર્ધને કહ્યું કે દેશમાં તમામ સંભવિત વેક્સીન માટે 3 કેન્ડિડેટ છે, જે ક્લીનિકલ ટ્રાયલના તબક્કામાં પહોંચી ગઈ છે, અમને આશા છે કે વર્ષ 2021ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં જ દેશમાં વેક્સીન ઉપલબ્ધ થશે.
સ્વાસ્થ્ય મંત્રાલયે કોવિડ વેક્સીન માટે ઓનલાઈન પોર્ટલ લોંચ કર્યું છે. આ પોર્ટલ પર વેક્સીનને લગતા તમામ આર એન્ડ ડી ઉપરાંત તેની લોંચ થવાની તારીખ તથા અન્ય જાણકારી ઉપલબ્ધ થશે. લોકો ઓનલાઈન જઈ વેક્સીનને લગતી આવશ્યક જાણકારી મેળવી શકેશે.