DC vs KXIP: પંજાબે દિલ્હીને 5 વિકેટે આપ્યો પરાજય,

IPLની 13મી સિઝનની 38મી મેચમાં મંગળવારે રાત્રે અબુ ધાબીમાં પંજાબે બાજી મારી, તેણે હાલની સિઝનમાં ટોપ ચાલી રહેલી દિલ્હીને 5 વિકેટથી પરાજય આપ્યો છે. પંજાબની ટીમે 19 ઓવરમાં 167/5 રન બનાવ્યા. આ પંજાબની જીતની હેટ્રીક રહી.
પંજાબની જીતમાં ક્રિસ ગેઈલે 29 રન, નિકોલસ પુરને શાનદાર ફિફટી જેમાં તેણે 28 બોલમાં 53 રન કર્યા હતા. જ્યારે મેક્સેલે 32 રનનું યોગદાન આપ્યું હતું. પંજાબની આ સતત ત્રીજી જીત અને કુલ ચોથી જીત સાથે 10 મેચોમાં 8 પોઈન્ટ મેળવી પોઈન્ટ ટેબલમાં 5માં સ્થાને છે.

પૂરન-મેક્સવેલ વચ્ચે 71 રનની ભાગીદારી
ત્રણ વિકેટ ગુમાવ્યા બાદ ગ્લેન મેક્સવેલ અને નિકોલસ પૂરને ઈનિંગને સંભાળી હતી. બંન્નેએ ચોથી વિકેટ માટે 71 રનની ભાગીદારી કરી હતી. નિકોલસ પૂરન 28 બોલમાં 6 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 53 રન બનાવી આઉટ થયો હતો. મેક્સવેલ 24 બોલમાં 3 ચોગ્ગા સાથે 32 રન બનાવી આઉટ થયો હતો. આ બંન્ને બેટ્સમેનને રબાડાએ આઉટ કર્યા હતા.
નીશમ 8 બોલમાં 10 રન અને દીપક હુડ્ડા 22 બોલમાં 15 રન બનાવી અણનમ રહ્યો હતો. દિલ્હી તરફથી કગિસો રબાડાએ બે, અશ્વિન અને અક્ષર પટેલે એક-એક વિકેટ ઝડપી હતી.
શિખર ધવને બનાવ્યો નવો રેકોર્ડ.

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સને ઈનિંગની ચોથી ઓવરમાં પ્રથમ ઝટકો લાગ્યો હતો. પૃથ્વી શો (7)ને નીશમે આઉટ કર્યો હતો. શિખર ધવને ફરી દમદાર બેટિંગ કરતા સદી ફટકારી હતી. ધવન સતત બે મેચમાં સદી ફટકારનાર આઈપીએલમાં પ્રથમ બેટ્સમેન બની ગયો છે. શિખર ધવને 61 બોલમાં 13 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે અણનમ 106 રન બનાવ્યા હતા. ચેન્નઈ સામે આ પહેલાની મેચમાં ધવને અણનમ 101 રન બનાવ્યા હતા.