COVID-19 Update; દેશમાં કોરોનાના કેસ 74.85 લાખને પાર, 65.83 લાખ દર્દી સાજા થયા

ભારતમાં છેલ્લા કેટલાક સમયથી કોરોનાનો પ્રકોપ ઘટી રહ્યો છે. કોરોનાના દૈનિક કેસમાં નોંધપાત્ર ઘટાડો આવ્યો છે. જોકે, શનિવારે કોરોનાના દૈનિક મોતનો આંકડો ફરીથી 1,000થી વધુ નોંધાયો હતો, જે ચિંતાજનક બાબત છે.
ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 58,181 કેસ નોંધાયા હતા અને વધુ 1,057નાં મોત નીપજ્યાં હતા જ્યારે 67,092 દર્દીઓ સાજા થયા છે. દેશમાં કોરોનાના કુલ કેસ 74,85,720 થયા છે અને મૃત્યુઆંક 1,13,983 થયો છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 65,83,863 દર્દીઓ સાજા થયા છે. રિકવરી રેટ વધીને 87.92 ટકા થયો છે.
દેશમાં છેલ્લા કેટલાક દિવસમાં પહેલી વખત એક દિવસમાં કોરોનાથી 1,000થી વધુના મોત નીપજ્યાં છે. દેશમાં કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય મહારાષ્ટ્રમાં કોરોનાના કુલ કેસ 15.86 લાખને પાર થયા છે જ્યારે મૃત્યુઆંક 41,965 થયો છે.
કોરોનાની રસી!
માર્ચ 2021 સુધીમાં ભારતને કોવિડ-19 ની રસી મળી શકે છે. જો કે તે ડિસેમ્બર 2020 માં તૈયાર થઈ શકે છે. બે થી ત્રણ મહિનાનો સમય બજારમાં આવતા લાગશે. જેનો ખુલાસો સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડો.સુરેશ જાધવે કર્યો છે. અત્રે જણાવવાનું કે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વાયરસના નવા 61,871 દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ કુલ કેસનો આંકડો 74,94,552 પર પહોંચી ગયો છે.

ભારતને ડિસેમ્બર 2020 સુધીમાં રસીના 60-70 મિલિયન ડોઝ મળી જશે પરંતુ બજારમાં તે માર્ચ 2021 સુધીમાં આવે તેવી શક્યતા છે. ડિસેમ્બર અને માર્ચ વચ્ચેનો સમય લાઈસન્સ પ્રક્રિયા માટે હશે. હાલમાં SII રસીના બીજા અને ત્રીજા તબક્કાનું પરીક્ષણ ચાલુ છે. ડો. જાધવે કહ્યું કે ભારત રસી લાવવા માટે ઝડપથી આગળ વધી રહ્યું છે. પહેલા જ ત્રીજા તબક્કાના પરીક્ષણમાં પહોંચી ગયા છે. જ્યારે એક બીજા તબક્કાના પરીક્ષણમાં છે.