
કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 2,73,810 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 ના કારણે 1,619 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે.કોરોના મહામારી દિવસેને દિવસે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. આ ઉપરાંત મોતનો આંકડો પણ ચિંતાજનક રીતે વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીના તમામ રેકોર્ડ તૂટી ગયા છે.
વર્લ્ડોમીટરના અહેવાલ પ્રમાણે અત્યાર સુધીમાં સમગ્ર વિશ્વમાંથી કોરોનાના કુલ 14,20,17,767 કેસ સામે આવ્યા છે અને 30,33,003 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. સમગ્ર વિશ્વમાં કોરોનાથી સાજા થનારા લોકોની સંખ્યા 12,05,54,767 થઈ ગઈ છે. જ્યારે સમગ્ર વિશ્વમાં સક્રિય કેસની સંખ્યા 1,84,29,997 છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એ સોમવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 18 એપ્રિલ સુધીમાં ભારતમાં કુલ 26,78,94,549 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે રવિવારના 24 કલાકમાં 13,56,133 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.
કોરોનાથી સૌથી પ્રભાવિત દેશોની યાદીમાં ભારત બીજા નંબરે છે. આ યાદીમાં અમેરિકા ટોચ પર છે અને અત્યાર સુધીમાં અમેરિકામાં કોરોનાના કુલ 3,24,04,454 કેસ નોંધાયેલા છે. અત્યાર સુધીમાં કોરોનાએ અમેરિકામાં 5,81,061 લોકોનો ભોગ લીધો છે. 2,49,61,229 અમેરિકનો કોરોનાને માત આપીને સાજા થઈ ચુક્યા છે અને અમેરિકામાં હાલ સક્રિય કેસની સંખ્યા 68,62,164 છે.
ગુજરાતમાં એક્ટિવ કેસની સંખ્યા કૂદકે અને ભૂસકે વધી રહી છે. હાલમાં રાજ્યમાં કુલ 61,467 એક્ટિવ કેસ છે. આ પૈકીના કુલ 329 દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે 61,318 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાંથી અત્યારસુધીમાં કુલ 3,37,545 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે જ્યારે કુલ 5377 દર્દીનાં મૃત્યુ થયા છે. રાજ્યમાં 10,340 કુલ નવા કેસ નોંધાયા છે જ્યારે કુલ 3,891 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ગયા છે.