કોરોનાનો કાળો કહેર: દેશમાં 24 કલાકમાં વધુ 96424 લોકોને કોરોના: 1174નાં મોત

ભારતમાં ચાલુ સપ્ટેમ્બર મહિનામાં અત્યાર સુધીમાં 15 લાખ પોઝિટિવ કેસ નોંધાયા
ભારતમાં એક દિવસમાં નોંધાયેલા કોરોના વાયરસના નવા કેસનો વધુ એક રેકોર્ડ તૂટ્યો છે, આ વખતે આંકડો 96,424 કેસ પહોંચી ગયો છે. સપ્ટેમ્બર મહિનામાં 15 લાખ કરતા વધારે કેસ નોંધાયા છે. ભારતમાં ફરી 1174 લોકોના કોરોના વાયરસના કારણે મોત થયા છે. ભારતમાં ટેસ્ટિંગની સંખ્યા વધી રહી છે તેની સામે કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે.દેશમાં કુલ કેસ 52.14 લાખ થયા છે.
રાજ્ય સરકારો પાસેથી મેળવેલા આંકડા પ્રમાણે 98,795 જેટલા નવા કેસ નોંધાયા છે, જેની સાથે કુલ કેસનો આંકડો 51,10,317 થઈ ગયો છે. આ પહેલા દેશમાં એક દિવસના સૌથી વધુ કેસના આંકડાનો રેકોર્ડ 98,100 હતો, હવે જે નવો આંકડો આવ્યો છે તે 1 લાખની ઘણો નજીક છે.
ભારતમાં એક દિવસમાં 1174 કોરોનાથી પીડાતા લોકોના મોત થયા છે, આ ત્રીજા નંબરનો સૌથી મોટો આંકડો છે. આ સાથે ભારતમાં કોરોનાથી થયેલો કુલ મૃત્યુઆંક 84,325 પર પહોંચ્યો છે, જેમાંથી 19,000 જેટલા મૃત્યુ ચાલુ મહિના દરમિયાન નોંધાયા છે. બુધવારે 40 લાખ લોકો કોરોનાને હરાવીને સાજા થયા હતા જે આંકડો ગુરુવારે 40,99,047 પર પહોંચ્યો છે, જેની સામે એક્ટિવ કેસનો આંકડો 10,26,000 થયો છે.
મહારાષ્ટ્રમાં વધુ 24,619 પોઝિટિવ કેસ નોંધાયા છે, જે એક દિવસમાં નોંધાયેલા બીજા નંબરના સૌથી વધુ કેસ છે, 5 રાજ્યો છે કે જ્યાં એક દિવસમાં નવો રેકોર્ડ નોંધાયો છે- જેમાં કેરળ (4,351 નવા કેસ), ઓડિશા (4,241), છત્તીસગઢ (3,309), પંજાબ (2,896) અને રાજસ્થાનનો સમાવેશ થાય છે. કોરોના વાયરસના મૃત્યુ કેસમાંથી સૌથી વધુ 463 કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા હતા, આ પછી સૌથી વધારે કેસમાં કણર્ટિકનો નંબર આવે છે જ્યાં 93 કેસ નોંધાય, જ્યારે ઉત્તરપ્રદેશમાં 81, આંધ્રપ્રદેશમાં 72, પશ્ચિમ બંગાળમાં 60, તામિલનાડુમાં 59 અને પંજાબમાં 57 લોકોએ જીવ ગુમાવ્યા છે.
મહારાષ્ટ્રમાં બીજા નંબરના સૌથી વધુ કેસ નોંધાયા છે ત્યારે મુંબઈમાં 2,411 નવા કેસ નોંધાયા છે. સતત બીજા દિવસે મુંબઈમાં રેકોર્ડ બ્રેકિંગ કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં કુલ કેસનો આંકડો 11,45,840 પહોંચ્યો છે જેમાંથી મુંબઈનો આંકડો 1,78,385 છે. રાજ્યમાં સતત બીજા દિવસે 400 કરતા વધુ (468) લોકોએ જીવ ગુમાવ્યો છે.