મહારાષ્ટ્રમાં કોરોનાનો કાળો કેર, છેલ્લા 24 કલાકમાં 20 હજાર કેસ નોંધાયા

– રાજ્ય સરકારના પ્રયાસો સફળ થતા લાગતા નથી
મહારાષ્ટ્રમાં દિવસે દિવસે કોરોના કાળો કેર વર્તાવતો રહ્યો છે. મંગળવારે એક દિવસમાં એટલે કે 24 કલાકમાં વીસ હજારથી વધુ કેસ નોંધાયા હતા. આ સાથે રાજ્યમાં કોરોનાના કેસનો આંકડો નવ લાખ 43 હજાર 772નો થઇ ગયો હતો.
મંગળવારે કોરોનાથી 380 વ્યક્તિનાં મરણ થયાં હતાં. એ સાથે મરણનો આંકડો 27 હજાર 403નો થયો હતો. રાજ્ય સરકાર દ્વારા કોરોનાને નાથવાના કરાઇ રહેલા પ્રયાસો સફળ થતા લાગતા નથી. રાજ્યમાં હાલ કોરોનાના સક્રિય હોય એવા કેસનો આંકડો 2 લાખ 43 હજાર 446નો હતો.
દેશના આર્થિક પાટનગર સમા મહાનગર મુંબઇમાં મંગળવારે કોરોનાના 1346 નવાકેસ નોંધાયા હતા. આ સાથે એકલા મુંબઇમાં કોરોનાના સક્રિય કેસનો આંકડો 1 લાખ 58 હજાર 756નો થયો હતો. મંગળવારે મુંબઇમાં 42 વ્યક્તિનાં મરણ થયાં હતાં. આમ મુંબઇમાં કોરોનાએ અત્યાર સુદીમાં 7, 942 વ્યક્તિનો ભોગ લીધો હતો.
કોરોના ફેલાતાંની સાથે ટેસ્ટ કરવાની સંખ્યા પણ વધારવામાં આવી હતી. અત્યાર સુધીમાં મહારાષ્ટ્રમાં 47 લાખ 89 હજાર 682 વ્યક્તિઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો.
મુંબઇ ઉપરાંત રાજ્યના અન્ય જિલ્લાઓ અને ગ્રામ વિસ્તારો સુધી કોરોના ફેલાઇ ચૂક્યો હતો. પૂણે, ઔરંગાબાદ વગેરે શહેરોમાં તો સતત લૉકડાઉન જાહેર કરવાની રાજ્ય સરકારને ફરજ પડી રહી હતી.