કોરોના : દર કલાકે ૪૦૨૩ નવા દર્દીઓ અને ૫૦ મોત : ૯ રાજ્યોમાં ૭૪% સક્રિય કેસ

- મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્રમાં સ્થિતિ ગંભીર
- ત્રણેય રાજ્યોમાં ૪.૬૦ લાખ એકટીવ કેસ હોવાનું બહાર આવ્યું
- છેલ્લા ૨૯ દિવસમાં કોરોનાને હંફાવનાર દર્દીઓની સંખ્યામાં ૧૦૦% વધારો
- સાજા થવાનો દર ૭૭.૬૫ ટકા : મૃત્યુદર ઘટીને ૧.૬૭%
નવી દિલ્હી : દેશમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. દેશમાં દર કલાકે ૪૦૨૩ નવા દર્દી સામે આવી રહ્યા છે અને સાથે જ ૫૦ દર્દીઓના મોત થઇ રહ્યા છે. ભારતમાં પહેલીવાર છેલ્લા ૧૦ દિવસમાં ૯.૪૦ લાખ નવા દર્દીઓ સામે આવ્યા છે.
તો છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં દર કલાકે સરેરાશ ૨૯૫૦ દર્દીઓ સાજા થયા છે જે દર કલાકે ૪૦૪૩ દર્દીઓની તુલનામાં ૧૦૭૩ ઓછા છે. આઇસીએમઆરના જણાવ્યા પ્રમાણે દેશમાં અત્યાર સુધી કુલ ૫૪૦૯૭૯૭૫ સેમ્પલની તપાસ થઇ છે જેમાં પરમદિવસે ૧૧૬૩૫૪૨ સેમ્પલની તપાસ થઇ હતી.
મંત્રાલયે કહ્યું છે કે ૯ રાજ્યોમાં લગભગ ૭૪ ટકા કેસ સક્રીય છે જેમાં ત્રણ રાજ્ય મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્ર કોરોનાથી ખરાબ રીતે પ્રભાવીત છે. ત્રણેય રાજ્યોમાં કુલ ૪૬૦૬૯૨ સક્રીય કેસ છે જે દેશમાં એકટીવ કેસના કુલ મામલાના ૪૮.૪૮ ટકા છે.
યુપી, ઓડીશા, તામિલનાડુ, તેલંગાણા, આસામ, છત્તીસગઢમાં ૨૩૬૫૪૫ કેસ છે જે ૨૫.૧ ટકા એકટીવ કેસની બરાબર છે.
મંત્રાલયે કહ્યું છે કે પાછલા ૨૯ દિવસમાં વાયરસને પછાડનાર દર્દીઓની સંખ્યામાં ૧૦૦ ટકા વધારો થયો છે. સ્વસ્થ્ય થવાની દર ૭૭.૬૫ ટકા થયો અને મૃત્યુદર ૧.૬૭ ટકા થઇ ગયો છે.
એક અભ્યાસ અનુસાર ઓકટોબરમાં ભારત અમેરિકાની પછાડીને સંક્રમણના કેસમાં વિશ્વમાં ટોચ ઉપર પહોંચી જશે. ઓકટોબરના પહેલા સપ્તાહ સુધીમાં દેશમાં સંક્રમણનો આંકડો ૭૦ લાખને પાર કરી જશે.