રાજકોટ શહેરમાં કોરોનાના કેસમાં સતત વધારો

રવિવારે એક પણ કેસ ન કરાયો, સોમવારે ટાર્ગેટ આપતા 23 દંડાયા
રાજકોટ શહેરમાં કોરોનાના કેસમાં સતત વધારો થતો હોવાથી રાજ્ય સરકારે આરોગ્ય સચિવને રાજકોટ મોકલ્યા છે. જેના પગલે મહાનગરપાલિકા અને પોલીસ તંત્રએ પોતાના કર્મચારીઓને માસ્કનો દંડ વસૂલ કરવા ટાર્ગેટ આપવામાં આવ્યો છે. જેથી રવિવારે રાજકોટમાં એક પણ વ્યક્તિ માસ્ક વગર પકડાયો નથી, પરંતુ સોમવારે ‘બહેન‘ આવ્યા હોવાથી 23 લોકો માસ્ક વગર પકડાયા હતા અને તેમની પાસેથી રૂ.1000નો દંડ વસૂલ કર્યો હતો. મનપાએ અત્યાર સુધીમાં 13070 લોકો પાસેથી માસ્કનો રૂ.5372700 નો દંડ વસૂલ કર્યો છે અને 12936 માસ્કનું વિતરણ કર્યું છે.
આરોગ્ય સચિવ રાજકોટમાં કોરોનાની સ્થિતિ દિવસેને દિવસે કથળી રહી હોવાથી પાંચ દિવસ સુધી રહી કામગીરીની સમીક્ષા કરશે. જેના પગલે મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓએ માસ્કનો દંડ વસૂલ કરવાની જવાબદારી સોંપી છે તે તમામ કર્મચારીઓને કહ્યું હતું કે, ‘બહેન આવી રહ્યા હોવાથી સોમવારે માસ્કનો દંડ વસૂલ કરવાનો છે કામે લાગી જાજો. જેના પગલે સોમવારે 23 લોકોને માસ્ક વગર પકડી તેમની પાસેથી દંડની વસૂલાત કરી હતી. ગત રવિવારે શહેરમાં એક પણ વ્યક્તિ માસ્ક વગર પકડાયો નથી, ગત શનિવારે માત્ર 7, ગત શુક્રવારે 6 લોકો જ માસ્ક વગર પકડાયા હતા અને દંડ વસૂલ કર્યો હતો, જ્યારે આરોગ્ય સચિવ સોમવારે રાજકોટમાં આવતાની સાથે 23 લોકો પાસેથી દંડ વસૂલ કરવામાં આવ્યો છે.