ખંભાળિયા નજીક ખાનગી કંપનીમાં સ્થાનિક શખ્સો દ્વારા બઘડાટી: 16 સામે ફરિયાદ

ડખ્ખો કરતા તત્વોને કાઢી મૂકતાં, હથિયારો વડે હુમલો
ખંભાળિયા નજીક આવેલી ખાનગી કંપનીમાં સિક્યુરિટીની નોકરીમાંથી કાઢી મુકાયેલા શખ્સો અંગેનું મનદુઃખ રાખી, ગત સાંજે દ્વારા કંપનીમાં ઘુસી, અને બઘડાટી બોલાવવા સબબ કુલ સોળ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. આ પ્રકારની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયા તાલુકાના સલાયા ગામ નજીક આવેલા પરોડીયા પાસે આવેલી એસ્સાર બલ્ક ટર્મિનલ નામની ખાનગી કંપનીમાં સિક્યુરિટી તરીકે કામ કરતા કેટલાક શખ્સો દ્વારા થયેલા ઝઘડાના કારણે કંપની દ્વારા આવા કર્મચારીઓને સિક્યુરિટીની નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા.
આ બાબતનું મનદુઃખ રાખી, રાયદે ડોસલ ભાચકન, રાજેશ સીદા ભાચકન, લગધીર જેઠા ભાચકન, ધના જીવા ભાચકન, વીરા કચરા ભાચકન, માલદે ખીમાણંદ મશુરા, ભોજા દુલા ભાચકન, દેવાણંદ કરસન મસુરા, નગા રામભાઈ ભાચકન, ધાના જીવા મશુરા અને ભીખા ડોસલ ભાચકન નામના 11 શખ્સો અન્ય પાંચ અજાણ્યા શખ્સોને સાથે લઈને ધસી આવ્યા હતા.
લાકડી તથા લોખંડના પાઇપ સાથે ગેરકાયદેસર મંડળી રચી અને ધસી આવેલા આ શખ્સોએ ગુનાહિત કાવતરું રચી, કંપનીની કબજા ભોગવટાની જમીનમાં પ્રવેશ કર્યો હતો. આ શખ્સોએ સિક્યુરિટીમાં રહેલા કર્મચારી ભીખાભાઈ સાજણભાઈ મોરી ઉપર લાકડી તથા પાઇપ વડે હુમલો કરી, ફ્રેકચર ઉપરાંત શરીરના જુદા જુદા ભાગોમાં ઇજાઓ પહોંચાડી હતી.
આમ, કંપની વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવેશ કરી બઘડાટી બોલાવવા સબબ ભીખાભાઈ મોરી (ઉ.વ. 36, રહે. નાના માંઢા)ની ફરિયાદ પરથી સલાયા મરીન પોલીસે પાંચ અજાણ્યા મળી, કુલ સોળ શખ્સો સામે આઈ.પી.સી. કલમ 143, 147, 149, 323, 325, 120 (બી), 447, તથા જી.પી. એક્ટ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ સલાયાના પોલીસ ઈન્સ્પેકટર પી.બી. ઝાલા દ્વારા હાથ ધરવામાં આવી છે.