રાજકોટ

ચોટીલાઃ 9 વિદ્યાર્થિનીઓને લઈ ફરાર થયેલા લંપટ શિક્ષક ધવલ ત્રિવેદીને CBIએ ઝડપી લીધો

બે વર્ષ અગાઉ શિક્ષક ધવલ ત્રિવેદી જે વિદ્યાર્થિનીને ભગાડી ગયો હતો તે સગીર વયની હોવાને કારણે રાજકોટ પોલીસે પોકસો હેઠળ તેની ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યો હતો. જોકે થોડા સમય પહેલા પેરોલ પર છૂટેલા ધવલ ત્રિવેદીએ પોતાનો મૂળ ધંધો શરૂ કર્યો હતો અને તેણે ઈંગ્લીશ સ્પીકિંગના ક્લાસ શરૂ કર્યા હતા. આ ઈંગ્લીશના ક્લાસમાં આવતી ચોટીલાની એક વિદ્યાર્થિની ધવલ ત્રિવેદીના સંપર્કમાં આવતા એક દિવસ અચાનક ધવલ ત્રિવેદી અને યુવતી ગુમ થઈ ગયા હતા.

આ મામલે વિદ્યાર્થિનીના પિતાએ ચોટીલા પોલીસમાં ફરિયાદ કરતાં ધવલ ત્રિવેદીનો ગુનાહીત ઈતિહાસ ધ્યાનમાં લઈ તરત ગુનો નોંધવામાં આવ્યો હતો, પરંતુ પોલીસના પગલાને સમજવામાં હોશિયાર ધવલ ત્રિવેદી દર વખતે ચોટીલા પોલીસની પક્કડથી બહાર રહેવામાં સફળ થયો હતો. આમ લાંબા સમય સુધી પોતાની દીકરીનો પત્તો નહીં લાગતા દીકરીના પિતાએ ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા.

એક પછી એક વિદ્યાર્થિનીઓને ફસાવતા ધવલ ત્રિવેદીને શોધવામાં ગુજરાત પોલીસ સફળ નહીં થાય તેવી આશંકાને લઈ હાઈકોર્ટે સમગ્ર મામલો સીબીઆઈને સોંપ્યો હતો. સૂત્રોની જાણકારી પ્રમાણે સીબીઆઈ પાસે આ મામલો આવતા સીબીઆઈએ આ મામલે ગુજરાત એટીએસની મદદ માગી હતી. સીબીઆઈ અને એટીએસ સંયુક્ત રીતે ફરાર થયેલા ધવલ ત્રિવેદીને શોધવા દેશભરમાં તપાસ કરી રહી હતી.

લાંબા સમય સુધી સીબીઆઈ અને એટીએસને ધવલની કોઈ ભાળ મળી ન્હોતી, થોડા મહિના પહેલા આ યુવતીએ પોતાના પિતાને એક ફોન કર્યો હતો. આ ફોન સીબીઆઈ અને એટીએસ માટે આશાનું કિરણ હતો. પોલીસે ટેકનીકલ સર્વેલન્સને આધારે શોધી કાઢ્યું કે ધવલ ઉત્તર પ્રદેશમાં છે. જોકે સીબીઆઈની ટીમ ઉત્તર પ્રદેશ પહોંચી તે પહેલા ધવલ યુવતી સાથે ત્યાંથી નીકળી ગયો હતો.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ધવલની ચાલાકી સમજી ગયેલી સીબીઆઈએ દેશભરની પોલીસને ધવલ ત્રિવેદીની માહિતી મોકલી આપી હતી. આ ઉપરાંત દરેક રાજ્યના શિક્ષણ બોર્ડ, સેન્ટ્રલ સ્કૂલ બોર્ડ અને યુજીસીને પણ ધવલની માહિતી મોકલી મદદ માગી હતી કે આ પ્રકારના કોઈ શિક્ષકની જાણકારી મળે તો સીબીઆઈને તુરંત જાણકારી આપવી.

આ માહિતીના પગલે વિવિધ રાજ્યોમાં ધવલ અંગે સમાચાર પ્રસિદ્ધ થતાં ધવલ મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો અને દર પંદર દિવસે તે પોતાની જગ્યા છોડી બીજી જગ્યાએ જતો રહેતો હતો, આ સ્થિતિથી કંટાળેલી યુવતી અને ધવલ વચ્ચે બિહારમાં ઝઘડો થયો અને ધવલ યુવતીને છોડીને જતો રહ્યો હતો. ધવલ યુવતીને છોડીને નીકળી ગયો તે સમયગાળો લોકડાઉનનો હતો. જેના કારણે યુવતીને કોઈની મદદ મળવી મુશ્કેલ હતી.

લોકડાઉન ખુલ્યા પછી યુવતીએ પોતાના પરિચયમાં આવેલા એક બિહારી યુવકને પોતાની મુશ્કેલી જણાવી તો આ બિહારી યુવક થોડા દિવસો પૂર્વે યુવતીને લઈ ચોટીલા ખાતે તેના પરિવાર પાસે મુકી ગયો હતો. યુવતી તો પરત આવી ગઈ પણ સીબીઆઈ માટે ધવલને શોધવો જરૂરી હતો.

સૂત્રોની જાણકારી પ્રમાણે એક સપ્તાહ પહેલા દિલ્હી પોલીસને ધવલ અંગે જાણકારી મળી હતી. દિલ્હી પોલીસના અધિકારીઓએ સીબીઆઈના અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી ઓપરેશન ધવલને અંજામ આપવાનો નિર્ણય કર્યો હતો. દિલ્હી પોલીસને જણકારી મળી હતી કે, ધવલ હિમાચલ પ્રદેશમાં છે અને એક ટાઈલ્સ બનાવતી ફેક્ટરીમાં વોચમેન તરીકે નોકરી કરે છે. આ માહિતીને આધારે શનિવારે દિલ્હી પોલીસની એક ટીમ હિમાચલ પ્રદેશ પહોંચી હતી. ત્યારે તેને ત્યાંથી ઝડપી લેવામાં આવ્યો હતો. આગામી એક બે દિવસમાં દિલ્હી પોલીસ ધવલ ત્રિવેદીનો કબજો સોંપવા ગાંધીનગર સીબીઆઈ ઓફીસ આવશે તેવું જાણવા મળ્યું છે.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

20 − eight =

Back to top button
Close