
ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથની સરકારે એક કડક નિર્ણય જાહેર કરતાં કહ્યું હતું કે સરકારી પ્રોજેક્ટ્સમાં કોઇ પણ ચીની કંપની ડાયરેક્ટર ટેન્ડર ભરી નહીં શકે.
યોગીએ પોતાની સરકારના તમામ મંત્ર્યાલયોને આ પ્રતિબંધની ઔપચારિક જાણ કરી દીધી હતી અને સ્પષ્ટ સૂચના આપી હતી કે આ બાબતે તમામ પ્રધાનોએ સાવધ રહેવું. ચીની કંપનીઓનું મૂડીરોકાણ ઘટાડવાના ભાગ રૂપે આ પગલું લેવાયું હોવાનું રાજ્ય સરકારના પ્રવક્તાએ કહ્યું હતું.
યોગી સરકારે એવો નિર્ણય કર્યો હતો કે વિદેશી કંપનીઓએ સરકારી પ્રોજેક્ટ્સમાં મૂડી રોકાણ કરવા અગાઉ રાજ્ય સરકારે નીમેલા એક નિગમમાં રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે. એ રજિસ્ટ્રેશન કરાવવા અગાઉ કેન્દ્રના સંરક્ષણ ખાતાની અને વિદેશ ખાતાની પરવાનગી પણ લેવી પડશે.
ચીન સાથેના આપણા તનાવને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે અત્યાર અગાઉ પણ કેટલીક ચીની કંપનીઓનાં ટેન્ડર રદ કર્યાં હતાં. ચીની કંપનીઓએ ઉત્તર પ્રદેશના કેટલાક પ્રોજેક્ટ્સ ઉપરાંત કેન્દ્ર સરકારના રેલવે સહિતના કેટલાક પ્રોજેક્ટ્સમાં મૂડી રોકાણ કરવા માટે ટેન્ડર્સ ભર્યાં હતાં. થોડા દિવસ અગાઉ વાહન વ્યવહાર ખાતાના પ્રધાન નીતિન ગડકરીએ પણ એક મોટા રોડ પ્રોજેક્ટમાં ચીનની એન્ટ્રી અધવચ અટકાવી દીધી હતી.
ગલવાન કોતરોવાળા બનાવ પછી દેશભરમાં ચીન વિરોધી વાતાવરણ સર્જાયું હતું અને ભારત સરકારે પણ ચીનનું નાક દબાવવા કેટલાંક આકરાં પગલાં ભર્યાં હતાં. આવાં આકરાં પગલાંમાં ચીનની સંખ્યાબંધ એપ્સ પર મૂકેલા પ્રતિબંધનો પણ સમાવેશ થયો હતો.ચીન એક તરફ વાટાઘાટ દ્વારા મતભેદો નિવારવાની વાતો કરતું હતું અને બીજી બાજુ ભારતની સરહદો પર લશ્કર મોકલતું હતું. ચીને ભારતીય સરહદમાં ઘુસણખોરી કરવાના પ્રયાસ પણ કર્યા.
હવે ભારતે ચીન સામે કડક આર્થિક પગલાં લઇને એના પર રાજકીય દબાણ વધારવાનાં પગલાં લેવા માંડ્યાં હતાં.