ખંભાળિયાના ચીફ ઓફિસરની જેતપુર બદલી..

દાહોદથી અતુલચંદ્ર સિન્હાને ખંભાળિયા મુકાયા.
ખંભાળિયાના ચીફ ઓફિસરની જેતપુર- નવાગઢ નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે બદલીનો ઓર્ડર થયો છે.
ખંભાળિયા નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે છેલ્લા આશરે સાડા પાંચ વર્ષથી ફરજ બજાવી રહેલા એ.કે. ગઢવીની બદલીનો ઓર્ડર ગઈકાલે રાજ્યના ચીફ ઓફિસરોના સામૂહિક બદલીના ઓર્ડરમાં આવ્યો છે. તેઓને જેતપુર- નવાગઢ નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે મૂકવામાં આવ્યા છે. જ્યારે ખંભાળિયાના નવા ચીફ ઓફિસર તરીકે દાહોદથી અતુલચંદ્ર એચ. સિન્હાનો ઓર્ડર થયો છે.
ખંભાળિયા શહેરમાં વિકાસને લગતા વિવિધ પ્રોજેક્ટ તથા સરકારી અનેકવિધ યોજનાઓમાં વહીવટી રીતે કુશળતા દાખવી, શહેરમાં કરોડો રૂપિયાના કામો સાથે નગરપાલિકાના કર્મચારીઓએના પ્રશ્નો સહિતની બાબતે પાલિકાના ચીફ ઓફિસર અશ્વિનભાઈ ગઢવીની કામગીરી દાખલારૂપ બની રહી છે.
નગરપાલિકામાં વર્ષોથી ચાલતા સભ્યોના જૂથવાદ તથા બે પક્ષોના આંતરિક સખળડખળ વચ્ચે ચીફ ઓફિસર ગઢવી દ્વારા સૂઝબૂઝપૂર્વક કરાતી કામગીરી પણ નોંધપાત્ર રહી હતી.