CA ફાઇનલની પરીક્ષા: 1થી 18 નવેમ્બર દરમિયાન શિફ્ટમાં પરીક્ષાનું આયોજન થશે

Covid-19ને કારણે છેલ્લા ઘણા સમયથી વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પરીક્ષા પોસ્ટપોન કરવામાં આવી રહી હતી. તાજેતરમાં જ સંપૂર્ણ સુરક્ષા સાથે JEE અને NEETની પરીક્ષા લેવામાં આવી અને હવે ICAI CAની પરીક્ષા યોજવા જઈ રહી છે. આ અંગે વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા મુલતવી રાખવાનો વિરોધ કરવામાં આવ્યો હતો અને તેમણે રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્ય સ્વામીનો સંપર્ક પણ સાધ્યો હતો. પરંતુ હવે વાત કન્ફર્મ થઈ ગઈ છે કે, ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (ICAI)ની CA ફાઇનલ ઇન્ટરમિડિયેટ અને ફાઉન્ડેશન કોર્સ પરીક્ષા તેના નક્કી કરેલા શેડ્યૂલ પ્રમાણે જ એટલે કે 1થી 18 નવેમ્બર દરમિયાન લેવામાં આવશે. તેમજ, રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વિટર દ્વારા પણ આ અંગે માહિતી આપી છે.
સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વીટ કરતા લખ્યું કે, “મેં CAની પરીક્ષા મુલતવી રાખવાની સંભાવના પર ICAIના પ્રમુખ સાથે વાત કરી. ત્યારબાદ તેમણે આ માટે સંબંધિત મુખ્ય વ્યક્તિઓ સાથે વાત કરી અને પરીક્ષા મુલતવી રાખવાનો કોઈ રસ્તો ન દેખાયો. તેથી, હવે હું આ મુદ્દાને આગળ નહીં લઈ જઈ શકું.”