દેશમાં પહેલીવાર ખરીફ પાકનું બમ્પર વાવેતર.

1100 લાખ હેકટરને પાર થયું
કપાસનું વાવેતર 130 લાખ હેકટર નજીક જયારે મગફળીનું 31 ટકા વધ્યું, એરંડાના પાકમાં 15 ટકાનો ઘટાડો.
દેશમાં તમામ ખરીફ પાકોનું વાવેતર 5.68 ટકા વધીને 1104.54 લાખ હેકટરે પહોંચ્યું છે. દેશમાં સામાન્ય રીતે પણ 1068 લાખ હેકટરમાં વાવેતર થયું હોય છે જેની તુલનાએ પણ વાવેતર વિસ્તાર વધ્યો છે.
દેશમાં ચાલુ ખરીફ સિઝનમાં બમ્પર વાવેતર થયું છે અને પહેલીવાર વાવેતર 1100 લાખ હેકટરને પાર પહોંચ્યું છે. દેશમાં સામાન્યની તુલનાએ સાત ટકા વધુ વરસાદ અને સિઝનની શરૂઆતમાં સારો વરસાદ થયો હોવાથી અનેક પાકોનું વાવેતર આ વર્ષે વિક્રમી સપાટીએ પહોંચ્યું છે.
દેશમાં કપાસનું વાવેતર 130 લાખ હેકટરની નજીક પહોંચ્યું છે જે ગત વર્ષની તુલનાએ બે ટકાનો વધારો બતાવે છે. જયારે તેલીબિયાં પાકોનું 11 ટકા વધીને 196 લાખ હેકટરમાં થયું છે જેમાં મગફળીનું 31 ટકા વાવેતર વધ્યું છે.