બોલિવૂડની એવરગ્રીન અભિનેત્રી; હેપ્પી બર્થ ડે રેખા

હિન્દી ફિલ્મોદ્યોગની અત્યંત સુંદર અને ટેલેન્ટેડ અભિનેત્રી રેખાનો આજે બર્થ ડે છે.
આવરદાના સાતમા દાયકામાં પ્રવેશી ચૂકી હોવા છતાં રેખા પોતાનું ફિગર અને સુંદરતા જાળવી શકી છે. એની હમઉમ્ર કેટલીક અભિનેત્રી કરતાં રેખા વધુ યુવાન દેખાય છે.
1954ના ઓક્ટોબરની 10મીએ ચેન્નાઇમાં રેખાનો જન્મ થયો હતો. શરૂઆતમાં એ કેટલેક અંશે બેડોળ લાગે એવું ફિગર ધરાવતી હતી. મેગાસ્ટાર અમિતાભ બચ્ચનના સંપર્કમાં આવ્યા પછી એ પોતાના ફિગર માટે સભાન થઇ ગઇ અને નિયમિત આહાર-વિહાર તથા વર્ક આઉટ દ્વારા એણે પોતાની ચુસ્તી-સ્ફૂર્તિ ટકાવી રાખી.
ઋષીકેશ મુખરજીની ખૂબસુરત, પ્રકાશ મહેરાની મુકદ્દર કા સિકંદર, મુઝફ્ફર અલીની ઉમરાવ જાન, યશ ચોપરાની સિલસિલા વગેરે એની કેટલીક યાદગાર ફિલ્મો છે. જીવનમાં સાચો પ્રેમ મેળવવા એ સતત તરસતી રહી પરંતુ એ પ્રેમમાં સફળ થઇ નથી. માત્ર 13 વર્ષની ઉંમરે અભિનય શરૂ કરનારી રેખા આપબળે અને સતત સંઘર્ષ દ્વારા ટોચના સ્થાને પહોંચી હતી.
આજે પણ રેખાની ડિમાન્ડ એટલીજ છે પરંતુ છેલ્લા થોડા સમયથી રેખા પોતાના રોલની બાબતમાં વધુ પડતી સભાન થઇ ગઇ હતી. પોતાની સમક્ષ આવતી દરેક ઑફર એ સ્વીકારતી નથી. અભિનેત્રી હોવા ઉપરાંત રેખા એક સારી ગાયિકા પણ છે. જો કે એ જાહેરમાં બહુ ગાતી નથી.