
ખેડા જિલ્લા પંચાયતનાં પૂર્વ પ્રમુખ અને ભાજપનાં નેતા મુકેશ શુકલાનાં મહિસાગર જિલ્લાનાં વીરપુર ગામે આવેલા બંગલામાં ગત મોડી રાત્રીનાં સુમારે ચારથી વધુ અજાણ્યા શખ્સોએ હુમલો કરી બે કારનાં કાચની તોડફોડ કરી હતી,તેમજ બંગલાનાં પ્રવેશદ્વારની જાળી પકડીને જાેર જાેરથી ખખડાવી બંગલામાંથી બહાર નિકળવા બુમો પાડી હતી,જાે કે બંગલામાં મુકેશભાઈનાં પત્ની એકલાજ હાજર હતા જેથી આ બનાવ અંગે વિરપુર પોલીસને જાણ કરતા પોલીસે હુમલાખોરો વિરૂદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.
ખેડા જિલ્લા પંચાયતનાં પૂર્વ પ્રમુખ અને ભાજપનાં મહિસાગર જિલ્લાનાં આગેવાન મુકેશ શુકલાનાં વિરપુર સ્થિત બંગલા પર ગત રાત્રીનાં સુમારે હાથમાં દંડાઓ સાથે ચાર અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો,અને બંગલાની બહાર પાર્ક કરેલી બે કારનાં કાચની તોડફોડ કરી હતી. તેમજ બે અજાણ્યા શખ્સોએ બંગલાનાં પ્રવેશદ્વારનો મુખ્ય ઝાંપો પકડીને ખેંચીને ખખડાવીને ધરની બહાર નિકળવા માટે બુમો પાડી હતી,જાે કે ધરમાં મુકેશભાઈનાં પત્ની એકલાજ હાજર હોઈ તેઓએ આ બનાવ અંગે તાત્કાલીક પોલીસને જાણ કરતા પોલીસે ધટના સ્થળે દોડી જતા હુમલાખોરો ફરાર થઈ ગયા હતા,જેથી પોલીસે સીસી ટીવી કેમેરાનાં ફુટેજ મેળવ્યા હતા જેમાં હુમલાખોરો કેદ થઈ ગયેલા જાેવા મળ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં જન્મદિવસને લઈને મુકેશ શુકલ હાલમાં દિલ્હી ગયેલા છે,જયારે તેમનો જિલ્લા પંચાયતનો સભ્ય પુત્ર પણ ધરે હાજર ન હતો ત્યારે આ હુમલો થયો હતો,જેથી પોલીસે આ બનાવ અંગે હુમલાખોરો વિરૂદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે,ભાજપનાં નેતા અને જિલ્લા પંચાયતનાં પૂર્વ પ્રમુખનાં બંગલા પર હુમલાની ધટનાને લઈને ચકચાર મચી જવા પામી છે.