મોરેટોરિઅમનો લાભ લેનારા બોરોઅરો પાસેથી વ્યાજનું વ્યાજ માફ કરવાના સરકારના નિર્ણય બેન્કરો ચિંતીત,

સરકાર પાસેથી નાણાં મેળવવામાં વ્યાપક સમય નીકળી જતો હોવાનો દાવો
મોરેટોરિઅમનો લાભ લેનારા બોરોઅરો પાસેથી વ્યાજનું વ્યાજ માફ કરવાની સરકારની તાજેતરની જાહેરાત પ્રત્યે બેન્કરોએ ચિંતા વ્યકત કરી છે અને આને કારણે લિટિગેશનમાં વધારો થશે તેવો ભય વ્યકત કર્યો છે. સરકારના નિર્ણય પ્રમાણે નાની વેપાર લોન્સ તથા વ્યક્તિગત દેવા પર માર્ચથી ઓગસ્ટના મોરેટોરિઅમના ગાળાનું ચક્રવૃદ્ધિ વ્યાજ માફ કરાશે.

બેન્કોએ તેમણે પૂરી પાડેલી લાખો લોન્સના રિપેમેન્ટસની ફરીથી ગણતરી કરવી પડશે. સરકારી બેન્કોને સરકારનો ટેકો મળી રહે છે પરંતુ ખાનગી બેન્કો એકદમ જ વ્યવસાયીક અભિગમ ધરાવતી હોવાથી તે પોતાની આવક જલદીથી જતી કરતી નથી જેને કારણે કાનૂની દાવપેચ વધી જાય છે. ખેત લોન્સના કિસ્સામાં બેન્કોએ સરકાર પાસેથી નાણાં મેળવવામાં નવથી ચોવીસ મહિના સુધી રાહ જોવી પડયાનો ઉદાહરણો છે, એમ એક બેન્કરે જણાવ્યું હતું.